<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ચીનના ઝિગોંગ શહેરમાં શોપિંગ મોલમાં ભીષણ આગ : ૧૬ લોકોના મૃત્‍યુ

અનેક લોકો બિલ્‍ડીંગની અંદર પણ ફસાઈ ગયા હતા

બીજીંગ, તા.૧૮: ચીનમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ચીનના દક્ષિણ-પશ્‍ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૬ લોકોના મોત થયા હતા. ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં ૧૪ માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્‍ડીંગની અંદર પણ ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્‍પષ્ટ જોઈ શકાય છે.

આગની માહિતી મળતાની સાથે જ ૩૦૦ ઈમરજન્‍સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર ફાયટર ઘટનાસ્‍થળે મોકલવામાં આવ્‍યા હતા. ઈમરજન્‍સી વર્કર્સે રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરીને લગભગ ૩૦ લોકોને બિલ્‍ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્‍થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્‍યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે આગનું કારણ બાંધકામનું કામ હતું, જેના કારણે સ્‍પાર્ક થતા આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્‍યું નથી.

ચીનના ઈમરજન્‍સી મેનેજમેન્‍ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શકય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્‍યું હતું. તેમજ આ અકસ્‍માતમાંથી બોધપાઠ શીખો, જેથી ભવિષ્‍યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવા અકસ્‍માતો સામાન્‍ય બની ગયા છે. ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્‍ય કારણ છે.

(10:08 AM IST)