<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

પતિથી કંટાળેલી પત્‍ની પાડોશી પર મોહી ગઈઃ બાળકો સાથે ઘરેથી ભાગી પ્રેમી સાથે રહેવા લાગી

માનસિક અને શારીરિક રીતે પરેશાન હોવાના કારણે તેણે તેના પતિથી અલગ રહેવાનો નિર્ણય લીધોઃ પોલીસ સ્‍ટેશનમાં જઈને સુરક્ષાની માગ

ચૂરુ,તા. ૨૨: રાજસ્‍થાનના ચૂરુ જિલ્લાના રાજગઢની ૨૫ વર્ષિય મહિલા પોતાના પતિને છોડીને પાડોશી યુવક સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા જતી રહી. પતિથી કંટાળેલી મહિલાને પાડોશી યુવકે સહાનુભૂતિ આપી. ત્‍યાર બાદ ધીમે ધીમે બંને એક બીજાની નજીક આવતા ગયા, અને હવે બંનેએ લિવ ઈનમાં રહેવાનો નિર્ણય કર્યો.

મહિલાએ પોતાના પતિ પર મારપીટનો આરોપ લગાવતા તેને છુટાછેડાની નોટિસ પણ આપી દીધી છે. પણ તેને અને તેના પ્રેમીને જાનથી મારી નાખવાનો ખતરો લાગી રહ્યો છે. તેના કારણે તાજેતરમાં પોલીસ સ્‍ટેશનમાં જઈને સુરક્ષાની માગ કરી રહ્યા છે.

સુરક્ષાની માગને લઈને પોલીસ અધિક્ષક કાર્યાલયે પહોંચેલી અનિતા ખટીકે જણાવ્‍યું કે, તેનું પિયર લુહારુમાં છે. તેના લગ્ન નવેમ્‍બર ૨૦૨૦માં થયા હતા. તેમને એક દીકરો અને દીકરી પણ છે. લગ્નના ૩ મહિના બાદથી પતિ તેને પ્રતાડિત કરવા લાગ્‍યો. તેના સસરા પણ તેની સાથે અભદ્રતા કરતા હતા. પતિ તેને અને તેના બાળકોને પણ મારતો હતો. તે દહેજની પણ માગ કરતો હતો. તેની સાસુના નિધન બાદ તો પતિ ખૂબ મારવા લાગ્‍યો હતો.

માનસિક અને શારીરિક રીતે પરેશાન હોવાના કારણે તેણે તેના પતિથી અલગ રહેવાનો નિર્ણય લીધો. આ દરમ્‍યાન એક વર્ષ પહેલા તેની ઓળખાણ પાડોશમાં રહેતા સચિન ખટીક સાથે થઈ ગઈ. તેની સાથે જયારે પણ મારપીટ થતી સચિન વચ્‍ચે પડતો. માનસિક રીતે સહાનુભૂતિ આપતો. તેના બાળકો માટે બિસ્‍કીટ વગેરે લઈ આપતો. સચિન તેના બાળકોનું ધ્‍યાન રાખતો. ત્‍યાર બાદ બંને વચ્‍ચે મોબાઈલ પર વાતચીત શરુ થઈ ગઈ.

એપ્રિલ ૨૦૨૪માં તે સચિન સાથે ઘરેથી ભાગી ગઈ અને ગુજરાતમાં આવીને જામનગર પહોંચી ગયા. ત્‍યાં બંને સાથે રહેવા લાગ્‍યા. પણ ત્‍યાં રહેતા હોવાની જાણ સાસરિયાના લોકોને થઈ ગઈ. બાદમાં બંને જયપુર આવી ગયા. અહીં પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી. અનિતાએ જણાવ્‍યું કે, તેની જેઠાણીએ આરોપ લગાવ્‍યો છે કે, તે સોનું અને ૫૦ હજાર રૂપિયા લઈને ભાગી ગઈ છે. જયારે સોનું અને રુપિયા તેની પાસે છે જ નહીં.

અનિતાએ જણાવ્‍યું કે, તેના પિયર પક્ષના લોકો પણ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેના પિતાનું મોત થઈ ચુક્‍યું છે. તેમના મોત પાછળ પણ દીકરીના ઘરનો કકળાટ હતો. અનિતાએ જણાવ્‍યું કે, સચિન તેને બાળકો સાથે અપનાવવા માટે તૈયાર છે. બસ તેને સુરક્ષા જોઈએ છે.

(9:59 AM IST)