<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

જમ્‍મુઃરાજોરીમાં આર્મી કેમ્‍પ પર આતંકી હુમલો : ૧ ત્રાસવાદી ઠાર

સુરક્ષાદળોએ સમગ્ર વિસ્‍તાર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ :જડબાતોડ જવાબ આપીને સેનાએ હુમલાને નિષ્‍ફળ કર્યો : એક જવાનને ઇજા

રાજોરી, તા.૨૨: જમ્‍મુ ક્ષેત્રના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ આર્મી કેમ્‍પ પર હુમલો કર્યો હતો. વહેલી સવારે આતંકવાદીઓએ રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્‍પ પર હુમલો કર્યો હતો. જોકે આ હુમલાને નિષ્‍ફળ બનાવાયો હતો. ત્‍યારથી સતત ઓપરેશન ચાલુ છે. આ ઘટના વિશે માહિતી આપતાં સંરક્ષણ પ્રવક્‍તા કર્નલ સુનિલ બારતવાલે કહ્યું કે સેનાએ રાજૌરીથી દૂર એક ગામમાં આર્મી પોસ્‍ટ પર આતંકવાદીઓના મોટા હુમલાને નિષ્‍ફળ બનાવ્‍યો. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે. વિસ્‍તારને કોર્ડન કરી લેવામાં આવ્‍યો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે.

જમ્‍મુ-કાશ્‍મીરમાં ફરી એકવાર આતંકીઓએ આર્મી કેમ્‍પને નિશાન બનાવ્‍યું છે. આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્‍પ પર હુમલો કર્યો હતો જેને સુરક્ષા દળોએ નિષ્‍ફળ બનાવ્‍યો હતો. આતંકી હુમલામાં સેનાનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. આતંકવાદીઓએ રાજૌરીના એક દૂરના ગામમાં સ્‍થિત આર્મી કેમ્‍પને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો હતો.

સુરક્ષા દળોએ ચાર્જ સંભાળ્‍યો અને જવાબી કાર્યવાહી કરીને હુમલાને નિષ્‍ફળ બનાવ્‍યો. આ પછી, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્‍તારને કોર્ડન કરી લીધો છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે ત્‍યાં કેટલા આતંકવાદીઓ હતા. ગંભીર રીતે ઘાયલ સૈનિકને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ઘણી મોટી આતંકવાદી ઘટનાઓ બની છે. સુરક્ષા દળોએ ઘણા આતંકીઓને ઠાર કર્યા છે જ્‍યારે એન્‍કાઉન્‍ટરમાં ઘણા જવાનો શહીદ પણ થયા છે. તાજેતરમાં, સેનાએ કુપવાડાના કેરન સેક્‍ટરમાં નિયંત્રણ રેખા પર બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ પહેલા જમ્‍મુના ડોડામાં એન્‍કાઉન્‍ટરમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. ૧૫ જુલાઈના રોજ ડોડા એન્‍કાઉન્‍ટરમાં એક અધિકારી સહિત ચાર ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા.

જમ્‍મુ વિસ્‍તારમાં સતત થઈ રહેલી આતંકવાદી ઘટનાઓને ધ્‍યાનમાં રાખીને ભારતીય સેનાએ ત્‍યાં સૈનિકોની સંખ્‍યામાં વધારો કર્યો છે. સેનાએ વિસ્‍તારોમાં ૩૦૦૦-૪૦૦૦ વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. મળતી માહિતી મુજબ જમ્‍મુ ક્ષેત્રમાં ૪૦ આતંકીઓ સક્રિય છે. જે વિસ્‍તારોમાં આતંકીઓ સક્રિય છે તેમાં રિયાસી, ડોડા, કઠુઆ, ભદરવાહ અને ઉધમપુરનો સમાવેશ થાય છે.

ગયા મહિને જમ્‍મુ-કાશ્‍મીરમાં અનેક મોટા આતંકવાદી હુમલા થયા હતા. આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડામાં ચાર સ્‍થળોએ હુમલો કર્યો હતો. ૯ જૂનના રોજ રિયાસી હુમલામાં નવ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ૭ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. આ હુમલામાં CRPFનો એક જવાન પણ શહીદ થયો હતો. તે જ સમયે, કઠુઆમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી સંખ્‍યામાં દારૂગોળો મળી આવ્‍યો હતો.

(10:58 AM IST)