તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd July 2024
૧૦ કલાકમાં ૧૦૦ MM વરસાદ, ફ્લાઈટ્સ, ટ્રેન, બસ અસરગ્રસ્ત : રેડ અલર્ટ : ૧લી જુનથી ૬૩ ઇંચ વરસાદ
ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે અને દાદર તથા માટુંગા સ્ટેશન વચ્ચે સેન્ટ્રલ રેલવે વિભાગમાં પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે

મુંબઇ, તા.૨૨: મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારોમાં રવિવારે સાંજ સુધી ૧૦૦ MMથી વધુ વરસાદ વરસી ચૂકયો છે, જેથી અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે, ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે અને દાદર તથા માટુંગા સ્ટેશન વચ્ચે સેન્ટ્રલ રેલવ વિભાગમાં પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે.
રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો. BMC પાસેથી મળેલી માહિતી અનુસાર માત્ર ૧૦ કલાકમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ૨૪ જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાયગઢમાં મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ રહેશે. આ ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. રવિવારે સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં શહેરમાં ૧૦૦ મીમી, પૂર્વ ઉપનગરોમાં ૧૧૮ મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં ૧૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ૧૫ વિમાનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા, જ્યારે રનવે પણ બે વાર બંધ કરવામાં આવ્યો હતો. પ્રાદેશિક હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે સોમવારથી રવિવારની સરખામણીમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી હશે, પરંતુ ૨૪ કલાકમાં ૬૫ મીમીથી વધુ વરસાદ પડશે. ૧ જૂનથી ૨૧ જુલાઈ, સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈમાં ૧૫૫૧.૧ મિમી અને ઉપનગરોમાં ૧૫૭૮ મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં લો પ્રેશર અને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરકયુલેશનને કારણે MMRમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
