હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બજેટમાં રાજયો સાથે ભેદભાવ અંગે સંસદમાં હોબાળો
રાજયસભામાંથી વિપક્ષનું વોકઆઉટ : લોકસભામાં પણ આ મુદ્દે ધમાલ : સંસદની અંદર-બહાર વિપક્ષના દેખાવો : ખડગેના આરોપો પર નિર્મલા સીતારમણ વિફર્યા

નવી દિલ્હી તા. ૨૪ : સંસદમાં સામાન્ય બજેટને લઈને ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. રાજયસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું અને તેને ખુરશી બચાવવાનું બજેટ ગણાવ્યું. ખડગેએ આરોપ લગાવ્યો, ‘આ બજેટમાં ન તો તમિલનાડુ, ન કર્ણાટક, ન હરિયાણા, ન રાજસ્થાન, ન ઓડિશાને કંઈ મળ્યું.' ખડગેના આ આરોપ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુસ્સે થઈ ગયા અને તેમણે બજેટમાં રાજયોના નામને લઈને સવાલ કર્યો કે શું તમે તમારા તમામ બજેટ ભાષણમાં તમામ રાજયોના નામ લીધા હતા ?
હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજયોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર જેવા રાજયો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. જયારે બીજી બાજુ અન્ય રાજયો માટે કોઈ વિશેષ જાહેરાતો કરવામાં આવી નથી. આ મામલે હવે વિપક્ષ જોરદાર રીતે હોબાળો મચાવી રહ્યો છે. સંસદ બહાર વિપક્ષે મોટાપાયે દેખાવ કર્યા હતા. વિપક્ષના સાંસદોએ આરોપ મૂક્યો હતો કે બજેટમાં મોદી સરકાર દ્વારા ભેદભાવ કરાયો છે. આ દેખાવોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા. રાજયસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
વાસ્તવમાં વિપક્ષનો આરોપ છે કે આ બજેટમાં માત્ર બે રાજયો બિહાર અને આંધ્રપ્રદેશને ફંડ આપવામાં આવ્યું છે, જયારે બાકીના રાજયોને કંઈ ખાસ મળ્યું નથી. બીજી બાજુ, સીતારમણે આ આરોપને ‘અપમાનજનક' ગણાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ લોકોના મનમાં એવી છાપ ઊભી કરવાનો ‘જાણીને પ્રયાસ' કરી રહી છે કે અન્ય રાજયોને કંઈ આપવામાં આવ્યું નથી.
રાજયસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપતાં નિર્મલા સીતારમણે કહ્યું, ‘અમને દરેક બજેટ ભાષણમાં બતાવો કે તમે તમારા સમયમાં દરેક રાજયનું નામ લીધું હતું. અમે અમારા બજેટ ભાષણમાં તમામ રાજયોના નામ નથી લીધા, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે તે રાજયો માટે બજેટમાં કંઈ રાખ્યું નથી.'
આ સાથે તેમણે કહ્યું કે, ‘કેબિનેટે વાધવનમાં બંદર બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ગઈકાલે બજેટમાં મહારાષ્ટ્રનું નામ લેવામાં આવ્યું ન હતું. શું આનો અર્થ એ છે કે મહારાષ્ટ્ર ઉપેક્ષા અનુભવે છે? ભાષણમાં કોઈ ચોક્કસ રાજયનું નામ લેવામાં આવે તો શું એનો અર્થ એવો થાય કે આ રાજયોમાં સરકારી કાર્યક્રમો જતા નથી? કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ દ્વારા લોકોને એવી છાપ આપવાનો ઇરાદાપૂર્વકનો આ પ્રયાસ છે કે અન્ય રાજયોને કંઈ આપવામાં આવ્યું નથી. આ એક અપમાનજનક આરોપ છે.'
નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, ‘મેં બજેટ ભાષણમાં ઘણા રાજયોના નામ લીધા નથી, તેનો અર્થ એ નથી કે તેને કંઈ મળ્યું નથી.' અમે મહારાષ્ટ્રને ૬૦૦૦ કરોડ રૂપિયા આપ્યા, પરંતુ ભાષણમાં તેનો ઉલ્લેખ નથી કર્યો, આ સાથે તેમણે કહ્યું કે, ‘બંગાળને ૧૦ વર્ષમાં ઘણી યોજનાઓ આપવામાં આવી, પરંતુ બંગાળે કેન્દ્રની યોજનાઓ લાગુ કરી નહીં અને હવે તેઓ સવાલ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણના આ આરોપ પર બંગાળના સાંસદો ગુસ્સે થયા અને પછી ગૃહમાં હોબાળો શરૂ થયો.'
આ પહેલા રાજયસભામાં મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષની આગેવાની લેતા સરકાર પર આરોપ લગાવ્યો કે, ‘આ બધું ખુરશી બચાવવા માટે થયું છે... અમે તેની નિંદા કરીશું અને તેનો વિરોધ કરીશું. ભારત ગઠબંધનના તમામ પક્ષો આનો વિરોધ કરશે.' જો સંતુલન નહીં હોય તો વિકાસ કેવી રીતે થશે? ‘આ સાથે વિરોધ પક્ષના તમામ સભ્યોએ રાજયસભામાંથી વોકઆઉટ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
