તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
પત્નીને અંધારામાં રાખી પતિ ગયો થાઈલેન્ડઃ એક મૂર્ખામીથી જેલ ભેગો
પત્નીને તેની જાણ ન થાય તે માટે તેણે પોતાના પાસપોર્ટના પાના ગુંદરથી ચોંટાડી દીધા હતાઃ પરંતુ ફરીથી જયારે તે થાઈલેન્ડની ઓફિશિયલ ટ્રિપ પર જઈ રહ્યો હતો ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓએ તેને મુંબઈ એરપોર્ટ પર ઝડપી પાડયો હતો

મુંબઇ,તા. ૨૬: મહારાષ્ટ્રના સતારાનો એક વ્યક્તિ થાઈલેન્ડ ગયો હતો. જોકે, તેણે આ વાત પોતાની પત્નીથી છૂપાવી રાખી હતી. પરંતુ, તેણે આ વાત છૂપાવી રાખવા માટે જે ટ્રિક અપનાવી હતી તે જ તેના માટે મોટી મુશ્કેલી બનીને સામે આવી હતી. આ ૩૩ વર્ષીય લોજિસ્ટિક્સ ઓપરેટર ફરીથી થાઈલેન્ડ ફરવા જાય તે પહેલા જ તે મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. થાઈલેન્ડ જવા માટે ફલાઈટમાં બોર્ડ થાય તે પહેલા જ મુંબઈ એરપોર્ટ પર તેને ઈમિગ્રેશન અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો.
હકિકતમાં પોતે અગાઉ થાઈલેન્ડ જઈ આવ્યો છે તે વાતની જાણ પોતાની પત્નીને ન થાય તે માટે તુષાર પવારે પોતાના પાસપોર્ટના ૧૨ પાના સાથે ચેડા કર્યા હતા. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓને તેના પાસપોર્ટ પર શંકા ગઈ હતી અને તેનો પાસપોર્ટ બરાબર ચેક કર્યો હતો. હકિકતમાં તુષાર પવારે થાઈલેન્ડના અગાઉના પ્રવાસના રેકોર્ડને છૂપાવવા માટે પાસપોર્ટના પાના ચોંટાડી દીધા હતા. જોકે, તેને કદાચ ખ્યાલ નહીં હોય કે પત્નીથી પોતાના થાઈલેન્ડના પ્રવાસને છૂપાવવા માટે તેણે જે મૂર્ખામી કરી તે તેને એક દિવસ ભારે પડશે. પાસપોર્ટમાં આવી રીતે ચેડા કરવા તે પાસપોર્ટ એક્ટનું ઉલ્લંઘન છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર પોલીસે તુષાર પવારને ભારતીય પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘનના આરોપ હેઠળ ઝડપી લીધો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો.
ઈમિગ્રેશન અધિકારીએ જણાવ્યું હતું કે, તુષાર પવાર તેના એક ક્લાયન્ટ સાથે થાઈલેન્ડની ઓફિશિયલ ટ્રિપ પર જઈ રહ્યો હતો ત્યારે અમે તેની અટકાયત કરી હતી. અમે જયારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે તેણે ૨૦૨૩ અને ૨૦૨૪માં થાઈલેન્ડની ટ્રિપ કરી હતી અને આ વાત પોતાની પત્નીથી છૂપાવી રાખવા માટે તેણે પોતાના પાસપોર્ટના પેજ ચોંટાડી દીધા હતા. તુષાર પવારના શંકાસ્પદ પાસપોર્ટને ફલેગ કરનારા ઈમિગ્રેશન અધિકારી એએસ મિત્તલે કહ્યું હતું કે, પેજ ૩ થી ૧૦ અને પેજ ૧૭થી ૨૦ એકસાથે ગુંદરથી ચોંટાડી દેવામાં આવ્યા હતા. આ અંગે જયારે તેની પાસે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે તેણે કબૂલ્યું હતું કે તે તેના મિત્રો સાથે થાઈલેન્ડ જઈ આવ્યો હતો અને પોતાની પત્નીને આ થાઈલેન્ડ પ્રવાસની જાણ ન થાય તે માટે તેણે પાસપોર્ટના પાના ચોંટાડી દીધા હતા.
પવાર લોજિસ્ટિક્સ બિઝનેસમાં છે અને હાલમાં તે જયુડિશિયલ કસ્ટડીમાં છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ વખતે તે થાઈલેન્ડની ઓફિશિયલ ટ્રિપ પર જઈ રહ્યો હતો અને તેની પત્નીને પણ આ ટ્રિપની જાણ હતી. જો તેણે પોતાના ભૂતકાળના થાઈલેન્ડ પ્રવાસ અંગે પ્રમાણિક રહ્યો હોત તો તે આ મુશ્કેલીમાં ના મૂકાયો હોત. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે અને તુષાર પવાર પોતાના જામીનની રાહ જોઈ રહ્યો છે. આમ પત્નીથી થાઈલેન્ડ ટ્રિપની માહિતી છૂપાવવા તેણે પાસપોર્ટમાં કરેલા ચેડાના કારણે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
