તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
ત્રણ જ મહિનામાં દોસ્તી ખતમ : એકનાથ શિંદે સરકારથી રાજ ઠાકરે નારાજઃ વિધાનસભા ચૂંટણી એકલા લડવાનો નિર્ણય
MNS પાર્ટી ૨૨૫ થી ૨૫૦ બેઠકો પર ઉમેદવારોને ઉભા રાખશે

મુંબઇ,તા. ૨૬: મહારાષ્ટ્રમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે રાજયમાં ચૂંટણીના રાજકારણમાં મહાયુતિ અને મહા અઘાડી વચ્ચે રાજકીય લડત થશે. જેમાં ભાજપ મહાયુતિમાં આગળ છે, જયારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મહા અઘાડીમાં મુખ્ય પક્ષો છે. તેવામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીના રાજ ઠાકરેએ ચોંકાવનારી જાહેરાત કરતાં કહ્યું કે, ‘પાર્ટીના નેતાઓ સાથેની બેઠક બાદ તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં એકલા લડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, MNS એ આગામી વિધાનસભા ચૂંટણીમાં કુલ ૨૮૮ વિધાનસભામાંથી ૨૨૫ થી ૨૫૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી બતાવી છે.
MNS પાર્ટીના ઠાકરેએ પાર્ટીના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને વિશેષ વિચારણા પછી નિર્ણય કર્યો હતો. ઠાકરેએ કહ્યું કે, ‘પાર્ટીની બેઠકમાં ગઠબંધન પર કોઈ પ્રકારે ભરોસો કરવા જેવો નથી. તેવામાં જો કોઈ જોડે ગઠબંધન કરવામાં આવશે તો તેના પર વિચારણા કરીશું.' આ સાથે ઠાકરેએ પહેલી વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં એકલા લડવાનો નિર્ણય કર્યો છે.
રાજ ઠાકરેના આ નિર્ણય પછી મહારાષ્ટ્રની મોટાભાગની પાર્ટીઓ ચોંકી ઉઠી છે. તેવામાં અન્ય પાર્ટીઓમાં મત કપાવવાને લઈને ચિંતા દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, MNS પાર્ટી ૨૨૫થી ૨૫૦ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખવાની તૈયારી બતાવી છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં MNS પાર્ટીની સારી એવી પકડ જોવા મળે છે. આ દરમિયાન રાજ ઠાકરે વિધાનસભાની ચૂંટણી એકલા થઈને લડશે તો તેમને મોટો ફટકો પડવાની શક્યતા છે.
રાજ ઠાકરેએ ગત લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને કોઈ પ્રકારની શરત વગર સમર્થન કરવાની ઘોષણા કરી હતી. તેવામાં લોકસભાની ચૂંટણીથી લઈને અત્યારસુધીમાં ઠાકરેના સુર બદલેલા જોવા મળી રહ્યાં છે. પરંતુ, ઠાકરેની પાર્ટીના ઉમેદવારો ઉતારવાની સામે મહારાષ્ટ્રની કેટલીક વિધાનસભા બેઠકો પર રાજકીય સમીકરણ બદલાઈ શકે છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
