તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
રદ થયેલો જીએસટી નંબર હવે પરત મળવા સાથે ક્રેડિટ પણ મેળવી શકાશે
સમયમર્યાદામાં ક્રેડિટ લીધી નહીં હોય તો જતી રહેતી હતી : બંધ થયેલો નંબર ચાલુ કરાયાના ૩૦ દિવસમાં રિટર્ન ભરવા પડશે

મુંબઇ,તા. ૨૬: રિટર્ન નહીં ભરવા બદલ અથવા તો કોઈ પણ કારણોસર જીએસટી નંબર રદ થઈ ગયો હોય અને તે નંબર ફરીથી કાર્યરત કરવામાં સમય થવાના લીધે જીએસટી ક્રેડિટ મળતી નહોતી, પરંતુ તેમાં સુધારો કરીને રદ થયેલો નંબર પરત આપવામાં આવે તો ૩૦ દિવસની સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરી દેવામાં આવે તો ક્રેડિટ પણ મેળવી શકાશે તેવી જોગવાઇ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. તેના કારણે અનેક કરદાતાઓને લાભ થવાનો છે.
જીએસટીમાં ક્રેડિટ લેવા માટે નાણાકીય વર્ષ પૂરું થયા બાદ ૩૦ નવેમ્બર સુધીમાં બાકી રહેલી જીએસટી ક્રેડિટ લેવાની હોય છે. ત્યારબાદ ક્રેડિટ જમા હોવા છતાં કરદાતાને આપવામાં આવતી નહોતી. જયારે જે કરદાતાનો જીએસટી નંબર રદ કરી દેવામાં આવ્યો હોય અને તે
કરદાતા દ્વારા નંબર ફરીથી કાર્યરત કરવા માટે જીએસટી અપીલમાં જતા હોય છે. પરંતુ અપીલમાં તેનો નંબર ફરીથી કાર્યરત કરવાનો ચુકાદો ૩૦ નવેમ્બર પછી આપવામાં આવે તો કરદાતાએ જીએસટી ક્રેડિટ ગુમાવવાની નોબત ઊભી થતી હતી. આ કારણોસર કરદાતાએ મોટું આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. આવા કિસ્સામાં સુધારો કરવા માટે વખતોવખત રજૂઆત કરવામાં આવી
હતી. તે રજૂઆતને ધ્યાને રાખીને કેન્દ્રીય બજેટમાં રદ થયેલા જીએસટી નંબરમાં જીએસટી ક્રેડિટ લેવાની સમયમર્યાદા દૂર કરી દેવામાં આવી છે. જોકે ફક્ત તેનો લાભ રદ થયેલા નંબરના કરદાતાઓને જ આપવામાં આવશે. જોકે તેના માટે કરદાતાએ બાકી રહેલા તમામ જીએસટી રિટર્ન સમયમર્યાદામાં ભરી દેવાના રહેશે. તે ભરપાઈ થયા બાદ જ જીએસટી ક્રેડિટ મેળવી શકશે. (૨૨.૨)
અનેક કરદાતાઓને રાહત આપતો નિર્ણય લેવાયો
કરદાતાનો જીએસટી નબર રદ થયા બાદ તેનો નંબર ફરીથી કાર્યરત કરવામાં સમય વીતી જતો હતો. તેમજ જીએસટી ક્રેડિટ લેવાની પણ સમયમર્યાદા નીકળી જવાના લીધે ક્રેડિટ મેળવવાનો હક રહેતો નહોતો. પરંતુ બજેટમાં આવા કરદાતાઓને રાહત આપીને રદ થયેલો નંબરને ફરીથી આપવામાં આવે તેવા કિસ્સામાં રિટર્ન ભર્યા બાદ બાકી રહેલી જીએસટી ક્રેડિટ વિભાગ દ્વારા પરત આપવામાં આવશે. તેના લીધે કરદાતાને આર્થિક ફાયદો થવાનો છે તેમજ જમા રહેલી ક્રેડિટ પરત પણ મળવાની છે. (ટેક્સ કન્સલ્ટન્ટ)
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
