તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
આજથી પેરિસમાં રમતગમતનાં સૌથી મોટા મહાકુંભનો પ્રારંભ
પેરિસ ઓલિમ્પિકનું આજે રંગારંગ ઉદ્ઘાટન : જબરો રોમાંચ : ૧૨૮ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સૌથી અલગ હશે ઓપનિંગ સેરેમની : સીન નદીના કિનારે પરેડ : રાત્રે ૧૧થી પ્રસારણ

પેરિસ તા. ૨૬ : રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની ભવ્ય શરૂઆત આજથી થઈ રહી છે. પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સીન નદીના કિનારે યોજાશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ૧૧૭ ખેલાડીઓની ટીમ મોકલી છે. આ ૧૧૭ સભ્યોની ટીમમાં ત્રણ રમતોના અડધા ખેલાડીઓનો સમાવેશ થાય છે - એથ્લેટિક્સ (૨૯), શૂટિંગ (૨૧) અને હોકી (૧૯). આ ૬૯ ખેલાડીઓમાંથી ૪૦ ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.
ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં. જે આ વખતે સૌથી ખાસ છે. ૧૮૯૬માં એથેન્સમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી, તેથી તેના ૧૨૮ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરંપરાગત પરેડ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીના કિનારે યોજાશે. જો કે ઓલિમ્પિક સમારોહ દરમિયાન વરસાદની સંભાવના છે.
આ ઉદઘાટન સમારોહમાં, ૧૦,૦૦૦ થી વધુ ઓલિમ્પિક રમતવીરો લગભગ ૧૦૦ બોટ પર સીન નદીમાંથી પસાર થશે, જયારે નોટ્રે ડેમ, પોન્ટ ડેસ આર્ટસ, પોન્ટ ન્યુફ સહિત પેરિસના કેટલાક પ્રતિષ્ઠિત સ્થળો પાસેથી પસાર થશે.
ફલોટિંગ પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી જાર્ડિન ડેસ પ્લાન્ટેસની બાજુમાં શરૂ થશે અને ટ્રોકાડેરો પર સમાપ્ત થશે, જયાં ઓલિમ્પિક સમારોહનો અંતિમ શો હશે. આ કાર્યક્રમ ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલવાનો છે.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને ટેબલ ટેનિસના દિગ્ગજ શરત કમલ, જેઓ પોતાની પાંચમી ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તૈયાર છે, તેઓ ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. આ બંને ખેલાડીઓ પોતપોતાની રમતના પ્રથમ ખેલાડી હશે જેઓ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજ ધારક બનશે.
પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં, ભારતીય પુરૂષ ખેલાડીઓ કુર્તા બંડી સેટ પહેરશે જયારે મહિલા ખેલાડીઓ ભારતના ત્રિરંગા ધ્વજને દર્શાવતી મેચિંગ સાડી પહેરશે. પરંપરાગત ઇકત અને બનારસી બ્રોકેડથી પ્રેરિત પ્રિન્ટ દર્શાવતા વસ્ત્રો તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ ૭ મેડલ જીત્યા, જે ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જેમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાનો પ્રથમ એથ્લેટિક્સમાં ગોલ્ડ પણ સામેલ છે. પેરિસમાં ૧૬ રમતોમાં દેશના કુલ ૧૧૨ એથ્લેટ ૬૯ મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. પાંચ રિઝર્વ એથ્લેટ પણ પેરિસમાં હશે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ ૩૫ મેડલ જીત્યા છે. આમાંથી માત્ર શૂટર અભિનવ બિન્દ્રા (૨૦૦૮) અને નીરજ ચોપરા (૨૦૨૧) એ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા છે.
પેરિસ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારંભ ભારતીય સમય અનુસાર રાત્રે ૧૧.૦૦ વાગ્યે ભારતમાં શરૂ થશે. તે ભારતમાં Sports18 1 SD અને Sports18 1 HD ટીવી ચેનલો પર પ્રસારિત થશે. પેરિસ ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર મફતમાં ઉપલબ્ધ થશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
