તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
કાવડયાત્રા : સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત : આગામી સુનાવણી ૫ ઓગસ્ટે
દુકાનદારોને નેમપ્લેટ લગાવવા મામલે યુપી સરકારને ફરી રાહત મળી નથી

નવી દિલ્હી તા. ૨૬ : શ્રાવણમાસમાં શરૂ થયેલી કાવડયાત્રાને લઇને યુપી સહિત અન્ય રાજયોએ રૂટ પર આવતી દુકાનો પર નેમપ્લેટ લગાવવાનો નિયમ જાહેર કર્યો હતો. આ મામલે સુપ્રિમ કોર્ટે આ આદેશ પર વચગાળાનો સ્ટે લગાવ્યો હતો. સાથે જ યુપી, એમપી અને ઉત્તરાખંડ સરકારને જવાબ રજૂ કરવા કહ્યું હતું. ત્યારે યુપી સરકારે આજે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જો કે સુપ્રિમ કોર્ટ દ્વારા કાવડરૂટ પર આવતી દુકાનદારોને નેમપ્લેટ લગાવવાના આદેશો પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે.
કાવડ યાત્રાના રૂટ પર દુકાનોની બહાર નેમપ્લેટ લગાવવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. દેશની સર્વોચ્ચ અદાલતમાં યુપી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ આજે સુનાવણી થઇ હતી. જેમાં કોર્ટે નેમપ્લેટ લગાવવા માટે યુપી સરકારના નિર્દેશો પર રોક લગાવવાના નિર્ણયને યથાવત રાખ્યો અને કહ્યું કે આગામી સુનાવણી ૫ ઓગસ્ટના રોજ થશે.
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે કાવડીયાઓના એક જૂથ તરફથી પણ અરજી દાખલ કરવામાં આવી છે. યુપી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે રાજય સરકારના નિર્દેશો પર એકતરફી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ, નહીં તો યાત્રા પૂરી થઈ જશે. જવાબમાં અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ આદેશ ૬૦ વર્ષથી આવ્યો નથી. જો આ વર્ષે તેનો અમલ નહીં થાય તો કંઈ ખોટું નહીં થાય.ᅠ
કાવડીયાઓના એક જૂથવતી અરજી પણ દાખલ કરવામાં આવી છે. કાવડીયાઓના વકીલે કહ્યું કે અમને સાત્વિક ભોજન જોઇએ. જેમાં લસણ અને ડુંગળી ન હોય. હવે માની લો કે માતા દુર્ગા ઢાબા નામ વાંચીને ઢાબા પર જઇએ છીએ અને ખબર પડે કે માલિક અને સ્ટાફ અલગ અલગ છે પછી સમસ્યા થાય છે. તેમનો અધિકાર છે તો અમારો પણ ધાર્મિક અધિકાર છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
