<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

પાંચ વર્ષ કુદરતી કારણોસર અને શિકારના કારણે ૬૨૮ વાઘોના મોત

સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા :૨૦૧૯માં ૯૬, ૨૦૨૦માં ૧૦૬, ૨૦૨૧માં ૧૨૭, ૨૦૨૨માં ૧૨૧ અને ૨૦૨૩માં ૧૭૮ વાઘના મોત

નવી દિલ્હી, તા.૨૬

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વાઘના મોત થયા અને વાઘના હુમલામાં કેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, તે અંગે સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા છે. આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ કુદરતી કારણોસર અને શિકારના કારણે ૬૨૮ વાઘોના મોત થયા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯માં દેશમાં ૯૬ વાઘના, ૨૦૨૦માં ૧૦૬, ૨૦૨૧માં ૧૨૭, ૨૦૨૨માં ૧૨૧ અને ૨૦૨૩માં ૧૭૮ વાઘના મોત થયા છે.

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વાઘના હુમલામાં ૩૪૯ વ્યક્તિઓના મોત થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૨૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. ડેટા મુજબ વર્ષ ૨૦૧૯ અને 2020માં વાઘના હુમલામાં ૪૯-૪૯ વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે ૨૦૨૧માં ૫૦, ૨૦૨૨માં ૧૧૦ અને ૨૦૨૩માં ૮૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વાઘના હુમલામાં ઉત્તર પ્રદેશમાં ૫૯ અને મધ્ય પ્રદેશમાં ૨૭ લોકોના મોત થયા હતા.

સરકારી આંકડા મુજબ વર્ષ ૨૦૧૨ બાદ વર્ષ ૨૦૨૩માં સૌથી વધુ વાઘોના મોત થયા છે. વર્ષ ૨૦૨૨ના આંકડા મુજબ દેશમાં હાલ વાઘોની કુલ સંખ્યા ૩૬૮૨ છે, જે વિશ્વભરના કુલ વાઘોની સંખ્યાના ૭૫ ટકા છે. ભારત સરકારે વાઘોના રક્ષણ માટે વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઈગરની શરૃઆત કરી હતી.

શરૃઆતમાં પ્રોજેક્ટ ટાઇગરની શરૃઆત ૧૮,૨૭૮ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા નવ વાઘ સાથે કરવામાં આવી હતી. આજે દેશમાં કુલ ૫૫ વાઘ સંરક્ષણ કેન્દ્રો છે, જે કુલ ૭૮,૭૩૫ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે અને આ વિસ્તાર દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ૨.૪ ટકા છે.

(9:30 PM IST)