<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પેરિસ ઓલિમ્પિક્સ 2024: ચિરાગ-સાત્વિકની જોડી ડબલ્સ મેચ રમ્યા વિના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

બેડમિન્ટન મેન્સ ડબલ્સ રમ્યા વિના સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મોટો ફાયદો: આ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી

પેરિસ ઓલિમ્પિક 2024થી ભારતની સ્ટાર બેડમિન્ટન જોડી માટે સારા સમાચાર સામે આવ્યા છે. મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની બીજી મેચ રદ્દ કરવામાં આવી હતી. માર્વિન સીડેલ અને માર્ક લેમ્સફૂસની જર્મન જોડી ઈજાના કારણે ખસી ગઈ હતી. જેના કારણે ભારતીય જોડીને હવે મોટો ફાયદો થયો છે

  પ્રથમ મેચમાં, સાત્વિક અને ચિરાગની ભારતીય જોડીએ કોર્વી લુકાસ અને લેબર રોનનની યજમાન ફ્રેન્ચ જોડી સામે 21-17, 21-14થી મેચ જીતી લીધી હતી. તે જ સમયે, હવે ફ્રાન્સની કોર્વી લુકાસ અને લેબર રોનનની જોડી પણ ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિઆન અને મોહમ્મદ રિયાન અર્દિયાન્ટો સામે હારી ગઈ છે. આવી સ્થિતિમાં સાત્વિક અને ચિરાગની જોડી તેમના ગ્રૂપના ટોપ-2માં નિશ્ચિત થઈ ગઈ છે.

   સાત્વિક અને ચિરાગની જોડી ટોપ-2 સાથે ગ્રુપ સ્ટેજનો અંત કરશે. આવી સ્થિતિમાં આ જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે સાત્વિક અને ચિરાગ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ડબલ્સ જોડી બની છે. બેડમિન્ટનમાં ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

  ભારતની સ્ટાર જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો આગામી મુકાબલો 30 જુલાઈએ ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયંતો સામે થશે. જો તેઓ આ મેચમાં ઈન્ડોનેશિયાની જોડીને હરાવે છે તો ભારતીય જોડી ગ્રુપ સ્ટેજમાં ટોપ પર પહોંચી જશે

  સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વચ્ચેની આ મેચ 30 જુલાઈના રોજ સાંજે 5.30 કલાકે રમાશે. તેમની નજર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા પર રહેશે. તમને જણાવી દઈએ કે, આ જોડી મેડલની સૌથી મોટી દાવેદાર પણ છે. આવી સ્થિતિમાં ભારતને આ જોડી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

(9:38 PM IST)