<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

દેશ માટે પ્રથમ બ્રોન્ઝ મેડલ જીતનાર ૨૨ વર્ષની ભારતીય મહિલા શૂટર મનુ ભાકર પાસે કરોડોની સંપત્તિ છે: નાની ઉંમરથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે મેડલ લાવી રહી છે

ભારત સરકારે તેની ટ્રેનિંગ પાછળ ૧.૬૮ કરોડ ખર્ચ્યા છે: મનુ ભાકરની સોશિયલ મીડિયા પર ભારે ફેન ફોલોઈંગ છે: જર્મનીમાં પ્રાઈવેટ કોચ પાસે ટ્રેનિંગ માટે સરકારે મોટી રકમ આપી છે:

ભારતની યુવા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.  ૨૨ વર્ષની મનુ નાની ઉંમરથી જ રમતગમતની દુનિયામાં સામેલ છે.  તે ૨૦૧૮થી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત માટે મેડલ જીતી રહી છે.  આઇએસએસએફ વર્લ્ડ કપ ઉપરાંત તે કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતા પણ છે.  મનુ નાની ઉંમરમાં કરોડપતિ બની ગઈ છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનુ ભાકરની કુલ સંપત્તિ ૧૨ કરોડ રૂપિયા છે.  આ રકમમાં તેમની ટુર્નામેન્ટ, ઈનામી રકમ, એન્ડોર્સમેન્ટ અને સ્પોન્સર્સના નાણાંનો સમાવેશ થાય છે.  મનુ ભારતીય શૂટરની પોસ્ટર ગર્લ છે.  તેની લોકપ્રિયતા તેના સોશિયલ મીડિયા પર પણ દેખાઈ રહી છે.

કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા બાદ મનુ ભાકરને હરિયાણા સરકારે ૨ કરોડ રૂપિયા આપ્યા હતા.  તેમને ટુર્નામેન્ટ જીતવા બદલ મોટી ઈનામી રકમ પણ મળે છે. મનુ ભાકરની સોશિયલ મીડિયા પર ભારે ફેન ફોલોઈંગ છે.  ઈન્સ્ટાગ્રામ પર તેના બે લાખ ફોલોઅર્સ છે.  ટ્વિટર પર આ ખેલાડીના ૧.૫ લાખથી વધુ ફોલોઅર્સ છે.

"ઓજી ક્યુ" મનુ ભાકરને સ્પોન્સર કરે છે.  આ કંપની મનુની તાલીમ અને તેની ટુર્નામેન્ટની તાલીમનો ખર્ચ પણ ઉઠાવે છે.  મનુ ભાકર  ભારત સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમનો પણ એક ભાગ છે.  આ યોજના હેઠળ પેરિસ ઓલિમ્પિક માટે મનુ ભાકર પર ૧.૬૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.  આ પૈસા તેની પિસ્તોલ, એર પેલેટ્સ અને બુલેટની સર્વિસમાં ખર્ચવામાં આવ્યા છે.  આ સિવાય જર્મનીમાં પ્રાઈવેટ કોચ પાસે ટ્રેનિંગ માટે પણ પૈસા આપવામાં આવ્યા છે.

(10:38 PM IST)