<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

મહારાષ્ટ્રમાં 100થી વધુ સીટ લડવાના શિંદે જૂથના દાવાથી ગઠબંધનના રાજકીય સમીકરણો બગડશે ?

એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 15માંથી સાત બેઠકો જીતી અને આ પ્રદર્શનના આધારે વિધાનસભા ચૂંટણીમાં બેઠકની માંગણી

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના પક્ષોમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 15 બેઠકમાંથી સાત બેઠક જીતી હતી અને આ જ દેખાવના આધારે વિધાનસભાની ચૂંટણીમાં બેઠકની માગણી કરવાની તૈયારી શિંદે જૂથે બતાવી છે. મળેલી માહિતી અનુસાર 288માંથી 113 જેટલી બેઠક પરથી ચૂંટણી લડવાની માગણી શિંદે જૂથ દ્વારા કરાશે. આ માગણીને લઈ મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે સેના અને અજિત પવાર એનસીપી)ના એકસાથે ચૂંટણી લડવાના સમીકરણ અંગે અલગ અલગ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે.

113 બેઠક માટે શિંદે જૂથ દ્વારા રવિવારે પ્રભારીઓ અને નિરીક્ષકોની નિમણૂંક પણ કરવામાં આવી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું. શિંદે જૂથના એક વરિષ્ઠ નેતાએ આ બાબતે જણાવ્યું હતું કે અમારી 113 બેઠક પર લડવા માટેની યોજના છે. મહારાષ્ટ્રમાં ભાજપ રહે તે ઇચ્છતા હોવાથી લોકસભાની ચૂંટણીમાં અમે ઘણી બાંધછોડ કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં 28 બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો અને તેમાંથી ફક્ત 9 પર વિજય મેળવી શક્યો હતો. શિવસેના જદ(યુ) અને ટીડીપી બાદ મહાયુતિનો ત્રીજો સૌથી મોટો ઘટક પક્ષ હોઇ કેન્દ્રમાં સત્તા ટકાવી રાખવા ભાજપને શિવસેનાની જરૂર છે. એવામાં આ પરિસ્થિતિનો લાભ વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠક મેળવવા માટે થઇ શકે તેવી ચર્ચા થઇ રહી છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવને પગલે અજિત પવાર જૂથની એનસીપી પણ વધુ બેઠકોની માગણી કરે તેવી શક્યતા હોઇ ભાજપ માટે કપરી પરિસ્થિતિ ઊભી થઇ શકે છે.

(11:57 PM IST)