News of Tuesday, 30th July 2024
યુપીમાં ‘લવ જેહાદ' પર થશે આજીવન કેદ
યોગી સરકાર આકરાપાણીએ : વિધાનસભામાં રજૂ કર્યો ખરડો

લખનૌ તા. ૩૦ : યુપીમાં લવ જેહાદના દોષિતને આજીવન જેલની સજા થશે. યોગી સરકારે આ સંબંધમાં બિલ રજૂ કર્યું હતું. યોગી સરકારે યુપી એસેમ્બલીમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ (સુધારા) બિલ રજૂ કર્યું. જેમાં ગુનાઓની સજા બમણી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. યોગી સરકારે યુપીમાં ‘લવ જેહાદ' જેવા અપરાધો પર વધુ કડક સજા આપવાનો નિર્ણય કર્યો છે. લવ જેહાદમાં આજીવન કેદ સુધીની સજા આપવાનો પ્રસ્તાવ છે. અન્ય ઘણા ગુનાઓમાં સજા બમણી સુધી વધારી દેવામાં આવી છે. લવ જેહાદ હેઠળ નવા ગુનાઓ પણ સામેલ કરવામાં આવ્યા હતા જેમાં આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકાર લવ જેહાદને લઈને સતત કડક વલણ દાખવી રહી છે. યોગી સરકારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી સરકારે આ મામલે કડક કાયદો બનાવવાનો સતત પ્રયાસ કર્યો અને તેની જોગવાઈઓને કડક બનાવી. હવે રજૂ કરાયેલા બિલ અનુસાર કોર્ટ લવ જેહાદ કેસમાં પીડિતાની સારવારના ખર્ચના બદલામાં દંડ નક્કી કરી શકશે.
આ બિલ લાવતા પહેલા સરકારે કહ્યું હતું કે ગુનાની સંવેદનશીલતા, દલિત-પછાત સમુદાયની મહિલાઓની સામાજિક સ્થિતિના આધારે સજા નક્કી કરવામાં આવશે. નવા બિલમાં ગેરકાયદે ધર્માંતરણને રોકવા માટે સજા અને દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ લવ જેહાદ વિશે માહિતી કે ફરિયાદ આપવા માટે પીડિતા, તેના માતા-પિતા, ભાઈ-બહેનની હાજરી જરૂરી હતી, પરંતુ હવે તેનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ આ માહિતી પોલીસને લેખિતમાં આપી શકશે. માહિતી મળતાં જ તપાસ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, હવે આવા કેસની સુનાવણી સેશન્સ કોર્ટની નીચે નહીં થાય અને તેની સાથે સરકારી વકીલને તક આપ્યા વિના જામીન અરજી પર વિચાર કરવામાં આવશે નહીં. કાયદા હેઠળ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર છે. અગાઉ ૨૦૨૧ માં, તેને વિધાનસભામાં પસાર કરીને ઔપચારિક રીતે કાનૂની દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કે, તે સમયે આ કાયદા હેઠળ મહત્તમ સજા ૧૦ વર્ષની હતી અને દંડ ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો હતો.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
