News of Tuesday, 30th July 2024
સરકારી બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી પર તમારૂ ખિસ્સુ કાપ્યું : પાંચ વર્ષમાં ૮,૫૦૦ કરોડની કમાણી
૨૦૨૩-૨૪મા પંજાબ નેશનલ બેંકે આ દંડથી રૂ. ૬૩૩ કરોડની કમાણી કરી, બેન્ક ઓફ બરોડાએ રૂ.૩૮૭ કરોડ, ઇન્ડિયન બેન્કે રૂ.૩૬૯ કરોડ, કેનેરા બેન્કે રૂ. ૨૮૪ કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ.૧૯૪ કરોડની કમાણી કરી

નવી દિલ્હી, તા.૩૦: ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ બેંકો ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે. દેશની જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી રૂ. ૮,૫૦૦ કરોડની કમાણી કરી છે. જો કે, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ નાણાકીય વર્ષ ૨૦૨૦થી જ મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલવાનું બંધ કરી દીધું છે. પરંતુ તેમ છતાં, છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં ૩૮ ટકાનો વધારો થયો છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે.
આ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન લઘુત્તમ બેલેન્સ પેનલ્ટી તરીકે રૂ.૮,૫૦૦ કરોડ એકત્ર કર્યા હતા. માહિતી અનુસાર, ૧૧ સરકારી બેંકોમાંથી, છ બેંકોએ લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ જાળવી ન રાખવા બદલ વસૂલાત કરી હતી, જ્યારે ચાર બેંકોમાં, લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ જાળવવા માટે ગ્રાહકો પર દંડ વસૂલવામાં આવ્યો હતો. ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા શહેરો અને ગામડાઓમાં બદલાય છે. ઉદાહરણ તરીકે, પંજાબ નેશનલ બેંકના શહેરી ગ્રાહકો માટે બચત ખાતામાં લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ રૂ. ૨,૦૦૦ છે. તે શહેરો માટે રૂ.૧,૦૦૦ અને ગામડાઓ માટે રૂ. ૫૦૦ છે. જો મિનિમમ બેલેન્સ ન હોય તો શહેરોમાં રૂ.૨૫૦, શહેરોમાં રૂ. ૧૫૦ અને ગામડાઓમાં રૂ. ૧૦૦ સુધીની કપાત કરી શકાય છે.
ચૌધરીએ કહ્યું કે બેંકોએ ખાતા ખોલતી વખતે ગ્રાહકોને ન્યૂનતમ બેલેન્સ વિશે જાણ કરવી જોઈએ. જો ગ્રાહક લઘુત્તમ બેલેન્સ જાળવી ન રાખે તો બેંકોએ ગ્રાહકને પેનલ્ટી વિશે જાણ કરવી જોઈએ. SBIએ ૨૦૧૯-૨૦માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. ૬૪૦ કરોડની કમાણી કરી હતી. પરંતુ તે પછી બેંકે આ પ્રથા બંધ કરી દીધી. ૨૦૨૩-૨૪માં, પંજાબ નેશનલ બેંકે આ દંડથી રૂ. ૬૩૩ કરોડની કમાણી કરી, બેન્ક ઓફ બરોડાએ રૂ. ૩૮૭ કરોડ, ઇન્ડિયન બેન્કે રૂ. ૩૬૯ કરોડ, કેનેરા બેન્કે રૂ.૨૮૪ કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. ૧૯૪ કરોડની કમાણી કરી હતી.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
