News of Wednesday, 31st July 2024
એક વર્ષમાં ૩૦ લાખથી વધુ લોકોને કૂતરાં કરડ્યા : ૨૮૬ લોકોના મોત
કૂતરાઓનો આતંક વધી રહ્યો છે...સરકારે સંસદમાં માહિતી આપી

નવી દિલ્હી, તા.૩૧: ૨૦૨૩ દરમિયાન કૂતરાના કરડવાના લગભગ ૩૦.૫ લાખ કેસ નોંધાયા હતા, જેના કારણે ૨૮૬ લોકોના મોત થયા હતા, સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા સંકલિત રોગ સર્વેલન્સ -ોગ્રામ (આઈડીએસપી)માં પ્રાપ્ત ડેટા મુજબ, ૨૦૨૩ દરમિયાન કૂતરા કરડવાના કેસોની સંખ્યા કુલ ૩૦,૪૩,૩૩૯ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન કૂતરા કરડવાથી ૨૮૬ લોકોના મોત થયા છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ તરફથી મળેલા રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૩ દરમિયાન હડકવા વિરોધી રસીની સંખ્યા ૪૬,૫૪,૩૯૮ હતી. આરોગ્ય મંત્રાલય દેશમાં હડકવાના નિવારણ અને નિયંત્રણ માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૨મી પંચવર્ષીય યોજનાથી રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે.
આ ઉપરાંત, કૂતરાના કરડવાના કેસોને નિયંત્રિત કરવા માટે કૂતરાની વસ્તીનું સંચાલન એ એક મહત્વપૂર્ણ કાર્ય છે, એમ સિંહે જણાવ્યું હતું. આ સંદર્ભમાં ઘણી સ્થાનિક સંસ્થાઓ એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ અને હડકવા વિરોધી રસીકરણનો અમલ કરી રહી છે, જેના માટે કેન્દ્ર સરકારે પશુ જન્મ નિયંત્રણ નિયમો, ૨૦૨૩ ઘડ્યા છે.
કેન્દ્ર સરકાર પશુ રોગ નિયંત્રણ માટે રાજ્ય સહાય હેઠળ પણ ભંડોળ પૂરું પાડે છે, એમ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકાર હડકવા રસીકરણ માટે પણ ભંડોળનો ઉપયોગ કરી શકે છે. આ બધાની વચ્ચે સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા ખરેખર આશ્ચર્યજનક છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
