<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

હિઝબુલ્લાહ અને હમાસ બંનેના કમાન્‍ડરનો ઢાળિયો

ઇઝરાયલે બોલાવી સટાસટી : કાળ બનીને ત્રાટક્‍યુ : લીધો બદલો : હમાસનો વડો ઇસ્‍માઇલ હાનિયાની હત્‍યા : ઇરાન સ્‍થિત અડ્ડા પર હવાઇ હુમલો : તો બીજી તરફ હિઝબુલ્લાહનો ટોપ કમાન્‍ડર ફવાદ શુક્ર લેબનોનના બૈરૂતમાં ઠાર : અરબ દેશો ભડક્‍યા

નવી દિલ્‍હી તા. ૩૧ : ઇઝરાયેલ એક એવા દેશ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે જે પસંદગીપૂર્વક તેના દુશ્‍મનો પર બદલો લે છે. ઇઝરાયલે એક જ દિવસમા સટાસટી બોલાવી અને કલ બનીને ત્રાટક્‍યું છે. ઇઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસ બંનેના કમાન્‍ડરનો ઢાળિયો કર્યો છે. ઇઝરાયલની આ કાર્યવાહીથી અરબ દેશો ભડક્‍યા છે.ગયા વર્ષે ૭ ઓક્‍ટોબરે હમાસે એવો હુમલો કર્યો હતો જેમાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા. આ સિવાય ૨૫૦ લોકોનું અપહરણ કરવામાં આવ્‍યું હતું. છેલ્લા કેટલાક દાયકાના ઈતિહાસમાં ઈઝરાયેલ પરનો આ સૌથી ભયાનક હુમલો હતો. આ પછી, એવું માનવામાં આવતું હતું કે હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયેલ હવે પહેલા જેટલું મજબૂત નથી. પરંતુ ઇઝરાયેલે જે કર્યું તેણે પેલેસ્‍ટાઇન સહિતના તેના સમર્થક દેશોમાં હલચલ મચાવી દીધી છે. એક તરફ, તેણે ઈરાનની અંદર હમાસના સર્વોચ્‍ચ નેતા ઈસ્‍માઈલ હનીયેહને મારી નાખ્‍યો, જયારે બીજી તરફ તેણે લેબનોનના બેરુતમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્‍ડર ફવાદ શુક્રને મારી નાખ્‍યો.

ઈઝરાયેલે દાવો કર્યો છે કે ફવાદ શુક્ર ગોલાન હાઈટ્‍સમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્‍ટરમાઈન્‍ડ હતો, જેમાં ફૂટબોલ ગ્રાઉન્‍ડમાં રમી રહેલા ૧૨ માસૂમ બાળકો માર્યા ગયા હતા. ઈઝરાયેલનું કહેવું છે કે તે બેરૂતમાં એરસ્‍ટ્રાઈક દરમિયાન માર્યો ગયો હતો. જયારે હિઝબુલ્લાનું કહેવું છે કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે ફવાદ શુક્ર ક્‍યાં છે અને તેની શું હાલત છે. પરંતુ તેણે નિશ્ચિતપણે સ્‍વીકાર્યું છે કે ઈઝરાયેલે જે ઈમારત પર હુમલો કર્યો તેમાં ફવાદ શુક્ર હાજર હતો. જયારે હમાસ નેતા ઈસ્‍માઈલ ઈરાનની રાજધાની તેહરાનમાં માર્યો ગયો હતો. તેની સાથે એક સુરક્ષાકર્મી પણ શહીદ થયો છે.

હિઝબુલ્લાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે સુપ્રસિદ્ધ જેહાદી કમાન્‍ડર ફવાદ શુક્ર એ જ બિલ્‍ડિંગમાં હાજર હતો કે જયાં યહૂદી દુશ્‍મનોએ હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે હમાસ ચીફની હત્‍યા બાદ તુર્કી અને ઈરાન જેવા ઈસ્‍લામિક દેશોએ ઈઝરાયેલ પર પોતાનો ગુસ્‍સો ઠાલવ્‍યો છે. ઈરાને કહ્યું કે અમે ઈસ્‍માઈલનું લોહી વ્‍યર્થ નહીં જવા દઈએ. તુર્કીએ કહ્યું કે અમે આ શરમજનક હત્‍યાની નિંદા કરીએ છીએ. આ રીતે, છેલ્લા ૯ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં આ પ્રથમ વખત હોવાનું માનવામાં આવે છે, જયારે ઇઝરાયલે તેના બે દુશ્‍મનોને એક સાથે ખતમ કર્યા છે.

વાસ્‍તવમાં, ગાઝા પટ્ટી સિવાય, ઇઝરાયેલ લેબનોનથી પણ હિઝબુલ્લાહના હુમલાઓનો સામનો કરી રહ્યું હતું. આવી સ્‍થિતિમાં તે બે મોરચે કેવી રીતે લડી શકશે તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. હવે ઈઝરાયેલે જે રીતે ઈરાનથી લઈને લેબનોન સુધી તેના દુશ્‍મનોને ખતમ કર્યા છે તે યુદ્ધમાં તેનું મનોબળ વધારશે. ઈઝરાયેલનું કહેવું છે કે ફવાદ શુક્ર હિઝબુલ્લાહના ટોચના કમાન્‍ડરોમાંનો એક હતો અને જૂથના વડા હસન નસરાલ્લાહનો જમણો હાથ હતો. હમાસના ઈસ્‍માઈલ લગભગ એક દાયકા સુધી ગાઝા સરકારના વડા પણ હતા.

(3:49 PM IST)