News of Wednesday, 31st July 2024
માટી પેટે GST નહીં ભરનાર ૫૦થી વધુ બિલ્ડરને ટેક્સ વસૂલાતની નોટિસ
પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ માટી કાઢવા પાંચ ટકા GSTનો નિયમ : સાત વર્ષથી ટેક્સ ભરપાઇ કરવામાં આવ્યો નહીં હોવાથી કાર્યવાહી શરૂ

મુંબઇ,તા. ૩૧: બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ માટી કાઢીને તેનું વેચાણ કરી દેવામાં આવે છે. તે પેટે પાંચ ટકા જીએસટી ભરવાનો થાય છે, પરંતુ મોટાભાગના બિલ્ડરો દ્વારા જીએસટી ભરપાઈ કરવામાં આવ્યો નહીં હોવાના લીધે ૫૦થી વધુ બિલ્ડરને સીજીએસટીએ નોટિસ ફટકારી ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ પણ નોટિસ આપીને જવાબ લખવા માટે જણાવવામાં આવ્યું હતું. તે કાર્યવાહી બાદ ટેકસ ભરવા માટે ડીઆરસી ૦૧ હેઠળ નોટિસ આપતા બિલ્ડરો દોડતા થઈ ગયા હોવાની વિગતો જાણવા મળી છે.
વર્ષ ૨૦૧૭ જુલાઈ માસથી જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ માટીના વેચાણ પેટે બિલ્ડરો દ્વારા પાંચ ટકા જીએસટી ભરવાનો નિયમ છે, પરંતુ આજદિન સુધી તે પેટે નાણાં ભરપાઈ કરવામાં આવ્યા નહીં હોવાના લીધે સેન્ટ્રલ જીએસટી દ્વારા ૫૦થી વધુ બિલ્ડરોને નોટિસ ફટકારી છે. આ અગાઉ તેઓએ ટેક્સ ભરપાઈ કેમ નથી કર્યો તેનો ખુલાસો કરવા માટે નોટિસ આપી હતી. તે નોટિસ મળ્યા બાદ બિલ્ડરો દ્વારા જવાબ રજૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ જીએસટીના અધિકારીઓને તે જવાબ યોગ્ય નહીં લાગતા હવે ટેક્સ ભરવામાં આવે અથવા તો ટેક્સ ભરવામાં નહીં આવે તો જીએસટી વસૂલાતના નિયમ હેઠળ કાર્યવાહી કરવા ડીઆરસી ૦૧ની નોટિસ ફટકારી છે.
ટેક્સ વસૂલાતની નોટિસ હાઇકોર્ટમાં પડકારાય તેવી શક્યતા
બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે ત્યારે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતી દુકાન, ઘર પેટે જીએસટીની વસુલાત કરવામાં આવે છે તે જ રીતે માટી કાઢીને તેનું વેચાણ કરવામાં આવે તો તે પેટે પણ જીએસટી ભરપાઇ કરવાનો હોય છે. પરંતુ એક પણ વખત માટી કાઢવા પેટે જીએસટી ભરપાઇ કરવામાં આવ્યો નહીં હોવાનું જીએસટીના રેકોર્ડ પર બહાર આવતા ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે આગામી દિવસોમાં તે મુદ્દે વિવાદ થવાની પણ શક્યતા રહેલી છે. કારણ કે પહેલી વખત જયારે નોટિસ આપવામાં આવી હતી ત્યારે જ બિલ્ડરો દ્વારા હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. હવે ટેક્સ વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરતા આગામી દિવસોમાં આ મુદ્દે હાઇ કોર્ટમાં બિલ્ડરો જાય તેવી પણ વિગતો જાણવા મળી છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
