News of Friday, 2nd August 2024
સોમવારથી શ્રાવણઃ પાંચ સોમવારનો સંયોગ
સોમવારથી શ્રાવણ માસની શરૂઆત અને સોમવારે જ સમાપ્તિ, શિવભક્તોમાં અનેરો થનગનાટ : વર્ષો પછી વિશેષ સંયોગમાં સોમવારે રક્ષાબંધન, સોમવારે જન્માષ્ટમી સાથે સોમવતી અમાસ પણ આવશે

મુંબઇ,તા. ૨: ભગવાન શિવની આરાધનાના પવિત્ર અવસર શ્રાવણ માસનો આગામી સોમવારે ૫ ઓગસ્ટથી ભક્તિભાવપૂર્ણ આરંભ થશે. દરમિયાન ચાલુ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો સંયોગ રચાવાનો હોય શિવભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થશે અને સોમવારે જ સમાપ્તિ થશે. વર્ષો પછી રચાયેલા વિશેષ સંયોગમાં હિન્દુ ધર્મના બે મહત્ત્વના પર્વો રક્ષાબંધન અને જન્માષ્ટમીની પણ સોમવારે જ ઉજવણી થશે. જયારે અંતિમ સોમવારે અમાસ હોય એટલે કે સોમવતી અમાસ હોય તેનું પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહાત્મ્ય આંકવામાં આવે છે.
સોમવારના વારનો મહાદેવની ઉપાસનાનો ભારે મહિમા આંકવામાં આવે છે. તેમાં પણ મહાદેવના પ્રિય શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસે થવાની હોય તો વિશેષ સંયોગ બની જાય છે. ૫ ઓગસ્ટને સોમવારના રોજથી શ્રવણ નક્ષત્રના શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. સનાતન ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવદ સુદ એકમે શિવપૂજા સાથે જ શ્રાવણ માસની આરાધના, અનુષ્ઠાન, ઉપવાસની શરૂઆત થાય છે. દરમિયાન ચાલુ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો રોચક સંયોગ થઈ રહ્યો હોય શિવભક્તો ઉત્સાહમય બન્યા છે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, શ્રાવણ માસની આરાધના અમાસ અને પડવો એમ બે દિવસથી શરૂ થાય છે. અમાસથી અમાસ શ્રાવણ માસ પાળનારા ભક્તો રવિવારે ૪ ઓગસ્ટથી અનુષ્ઠાન શરૂ કરશે.
ગુજરાતના જાણીતા શિવમંદિરોમાં અમાસની પૂજા સાથે શ્રાવણ માસની ઉજવણીનો દૌર શરૂ થશે. જયારે શ્રાવણ સુદ એકમ એટલે કે ૫ ઓગસ્ટથી શ્રાવણની શરૂઆત બાદ ૨ સપ્ટેમ્બરના રોજ સોમવારે અમાસ સાથે પૂર્ણાહુતિ થશે. પાંચ સોમવાર પૈકી ૧૯ ઓગસ્ટના રોજ સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી થશે. ત્યારબાદના સોમવારે એટલે કે ૨૬ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી થશે. વધુમાં, હિન્દુ સમુદાયમાં સોમવતી અમાસનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. સોમવતી અમાસની આરાધના અનેક પ્રકારે ફળદાયી માનવામાં આવે છે. જે અંતર્ગત ૨ સપ્ટેમ્બના રોજ સોમવતી અમાસ સાથે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. રવિવાર-સોમવારથી શિવમંદિરોમાં શ્રાવણ માસની ઝાકમઝોળ શરૂ થશે. જેને લઈને મંદિરોમાં સફાઈ, રોશનીનો શણગાર સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શનિ મહારાજની ચાલ વકી હોય ત્યારે શ્રાવણ માસમાં શિવજીની આરાધનાનો વિશેષ મહિમા રહેશે.
શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા
* ૪ ઓગસ્ટઃ દશામાનું વ્રત શરૂ * ૬ ઓગસ્ટઃ મંગળા ગૌરીવ્રત * ૭ ઓગસ્ટઃ હરિયાલી ત્રીજ ઞ્જ ૯ ઓગસ્ટઃ જીવંતિકા વ્રત * ૯ ઓગસ્ટ :નાગ પંચમી * ૧૦ ઓગસ્ટઃ રાંધણછઠ્ઠ * ૧૧ ઓગસ્ટઃ શીતળા સાતમ * ૧૪ ઓગસ્ટઃ નોળિયા નોમ * ૧૬ ઓગસ્ટઃ પુત્રદા એકાદશી * ૧૯ ઓગસ્ટઃ પવિત્રા બારસ *૧૯ ઓગસ્ટઃ રક્ષાબંધન ઞ્જ ૨૨ ઓગસ્ટઃ સંકટ ચોથ * ૨૬ ઓગસ્ટ : જન્માષ્ટમી * ૧ સપ્ટેમ્બરઃ શિવરાત્રી * ૨ સપ્ટેમ્બરઃ સોમવતી અમાસ
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
