<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

વાયનાડનો મૃત્‍યુઆંક વધીને ૩૨૩ થયોઃ ૨૫૦થી વધુ લાપતા

હજુ પણ કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા : શાળા-કોલેજોમાં ૪ દિવસની રજા જાહેર : બેઈલી બ્રિજ દ્વારા બચાવ અભિયાનને વેગ મળ્‍યો : ૪૦ ટીમોનું રેસ્‍ક્‍યુ ઓપરેશન ચાલુ

વાયનાડ તા. ૨ : કેરળના વાયનાડમાં ભૂસ્‍ખલનને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ આજે ચોથા દિવસે પણ કાટમાળમાંથી મૃતદેહો બહાર આવવાનું ચાલુ છે. આ અકસ્‍માતમાં અત્‍યાર સુધીમાં ૩૨૩ લોકોના મોત થયા છે. અને હજી ૪ કે ૫ દિવસ સુધી શાળા અને કોલેજો બંધ રહેશે. જોકે, બચાવ કાર્યમાં લાગેલા બચાવકર્મીઓને અત્‍યાર સુધીમાં માત્ર ૧૯૫ મૃતદેહો જ મળ્‍યા છે. બાકીના લોકોના મૃત્‍યુની પુષ્ટિ તેમના શરીરના અંગો પરથી કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ૧૦૫ લોકોના મૃતદેહોમાંથી કેટલાક ભાગ બહાર કાઢવામાં આવ્‍યા છે, જેના કારણે તેમના મૃત્‍યુની પુષ્ટિ થઈ છે.

લગભગ ૨૫૦ લોકો હજુ પણ ગુમ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વરસાદ અને પ્રતિકૂળ પરિસ્‍થિતિનો સામનો કરતા બચાવકર્મીઓએ શુક્રવારે એટલે કે ચોથા દિવસે પણ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ૧૯૦ ફૂટનો બેઈલી બ્રિજ પૂર્ણ થતાં સવારથી ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને વેગ મળ્‍યો હતો. આ પુલ હવે સૌથી વધુ અસરગ્રસ્‍ત વિસ્‍તારો, મુંડક્કાઈ અને ચુરલમાલાને એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે.

આર્મી, નેવી અને એરફોર્સની સાથે બચાવકર્મીઓની ૪૦ ટીમ લોકોને બચાવવામાં લાગેલી છે. રેસ્‍ક્‍યુ ઓપરેશનને અસરકારક બનાવવા માટે સર્ચ એરિયાને ૬ અલગ-અલગ ભાગમાં વહેંચવાની વાત ચાલી રહી છે. આ વિસ્‍તારોમાંથી પ્રથમ અટ્ટમાલા અને અરણમાલાનો બનેલો છે. બીજો વિસ્‍તાર મુંડાકાઈ, ત્રીજો વિસ્‍તાર પુંજરીમટ્ટમ, ચોથો વિસ્‍તાર વેલ્લારમાલા ગામ રોડ, પાંચમો વિસ્‍તાર જીવીએચએસએસ વેલ્લારમાલા અને છઠ્ઠો વિસ્‍તાર નદીના ડાઉનસ્‍ટ્રીમ વિસ્‍તાર છે.

ત્રણેય સેનાઓ ઉપરાંત NDRF, DSG અને MEGની સંયુક્‍ત ટીમ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે. દરેક ટીમ સાથે ત્રણ સ્‍થાનિક લોકો અને વન વિભાગના એક કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ચલીયાર નદીની આસપાસના ૮ પોલીસ સ્‍ટેશનના પોલીસકર્મીઓ અને તરવામાં પારંગત લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલિકોપ્‍ટર દ્વારા પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કોસ્‍ટ ગાર્ડ અને નૌકાદળની સાથે વન વિભાગના કર્મચારીઓ પણ એવા સ્‍થળોની શોધ કરવા જઈ રહ્યા છે જયાં મૃતદેહો ધોવાઈ જવાની શક્‍યતા છે.

અકસ્‍માત બાદ આર્મી દ્વારા બનાવવામાં આવેલા બેલી બ્રિજ દ્વારા ૨૫ એમ્‍બ્‍યુલન્‍સને મુંડકાઈ સુધી પહોંચાડવામાં આવશે. માટીમાં દટાયેલા મૃતદેહોને શોધવા માટે શનિવારે દિલ્‍હીથી ડ્રોન આધારિત રડાર પહોંચશે. સર્ચ ઓપરેશનમાં ૬ કૂતરાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. આજે તામિલનાડુથી વધુ ૪ શ્વાન લાવવામાં આવશે.

વાયનાડમાં ૩૦મી જુલાઈની સવારે લગભગ ૨ વાગે પહેલો ભૂસ્‍ખલન થયો હતો. આ પછી સવારે લગભગ ૪.૧૦ વાગ્‍યે વધુ એક ભૂસ્‍ખલન થયું. આ સાથે ત્રીજી વખત ફરીથી ભૂસ્‍ખલન થયું. ભૂસ્‍ખલનથી વાયનાડના ચાર ગામ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા હતા, જેમાંથી લોકોને બચાવવા માટે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બચાવ કામગીરીની પ્રગતિ સાથે મૃત્‍યુઆંક સતત વધી રહ્યો છે.

(3:27 PM IST)