<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ભાજપની મમતાના રથને રોકવા બંગાળના ભાગ પાડવા યોજના

નરેન્‍દ્રભાઇ સમક્ષ પાર્ટી નેતાઓ દ્વારા ગત અઠવાડીયે ત્રણ વિકલ્‍પો રજુ કરાયા

કોલકતા,તા. ૨: રાજકીય શતરંજની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ એક એવી ચોપાટ છે, જેના પર આજ સુધી ભાજપાની ચાલ રંગ નથી લાવી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીને નાથી ન શકાતાં ભાજપા હવે કંઈક નવો દાવ અજમાવવાની ફિરાકમાં છે. એ દાવ છે બંગાળના ભાગલાનો!

ગત અઠવાડિયે ભાજપાના નેતાઓએ વડાપ્રધાન મોદી સમક્ષ પશ્ચિમ બંગાળના ત્રિ-વિભાજનનું સૂચન કર્યું છે. એમાં ઉત્તર બંગાળને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં સામેલ કરવું. ગ્રેટર કૂચ બિહારને અલગ રાજય બનાવવું અને બંગાળના માલદા અને મુર્શિદાબાદ જિલ્લાઓને બિહાર અને ઝારખંડના અમુક ભાગ સાથે ભેગા કરીને અલગ કેન્‍દ્રશાસિત પ્રદેશ બનાવવા વિકલ્‍પો રજુ કર્યા હતા.

ભાજપાએ પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવાની ધરખમ પ્રયત્‍ન કર્યો છે, પરંતુ વધુ સફળતા હાથ નથી લાગી. પાર્ટીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રાજયમાં લડેલી ૪૨ બેઠકોમાંથી માત્ર ૧૨ બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને હવે બે વર્ષ કરતાંય ઓછો સમય છે. આમ તો પશ્ચિમ બંગાળને મુખ્‍યમંત્રી મમતા બેનરજીનો ગઢ કહેવામાં આવે છે. પરંતુ ઉત્તર બંગાળમાં ભાજપાને સારો જનાધાર સાંપડ્‍યો છે. તેથી જો ઉત્તરના જિલ્લાઓનું ગઠન કરીને અલગ રાજય બનાવવામાં સફળતા મળે તો એક આખું રાજય ભાજપા ગજવે લઈ શકે. મુખ્‍યમંત્રી મમતા બેનરજીના આંગણામાં ફાચર મારીને એ હિસ્‍સો હડપ કરી જવાની પેરવી કરાઈ રહી છે. આ રાજરમતને ‘ભાગલા' કે ‘વિભાજન'કહેવાને બદલે ભાજપાએ એને ‘પુનર્ગઠન'જેવું નામ આપ્‍યું છે.ᅠ

પશ્ચિમ બંગાળના પુનર્ગઠનની માંગણી કરવામાં સૌથી અગ્રણી અવાજ છે. રાજય એકમના ભાજપા પ્રમુખ સુકાંત મજુમદારનો. એમણે જ વડાપ્રધાન સમક્ષ આ યોજના મૂકી છે અને એ માટેના કારણો આપ્‍યા છે કે,  ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્ર અને ઉત્તર બંગાળના જિલ્લાઓ વચ્‍ચે સાંસ્‍કૃતિક અને સામાજિક દૃષ્ટિએ ઘણીબધી સામાનતાઓ હોવાથી એમનું એકીકરણ કરવું જોઈએ. પશ્ચિમ બંગાળ સરકાર ઉત્તર બંગાળના વિકાસ પર પૂરતું ધ્‍યાન ન આપતી હોવાથી ઉત્તર બંગાળનો વિકાસ રુંધાય છે. અલગ રાજય બનાવાય તો એને કેન્‍દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ મળી શકે.ᅠ

બંગાળના ‘માલદા' અને ‘મુર્શિદાબાદ'જિલ્લાઓને બિહારના ‘અરરિયા', ‘કિશનગંજ'અને ‘કટિહાર'જિલ્લાઓ તથા ઝારખંડના ‘સંથાલ પરગણા'પ્રદેશને ભેગા કરીને અલગ કેન્‍દ્રશાસિત પ્રદેશ બનાવાય તો વિકાસના મામલે ખાસ્‍સો પાછળ પડી ગયેલો એ વિસ્‍તાર પ્રગતિ કરી શકે.

ઉપરાંત પ્રાસ્‍તાવિક વિસ્‍તારને જો કેન્‍દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવે તો એના પર કેન્‍દ્ર સરકારનો સીધો અંકુશ આવે, જેને લીધે આ વિસ્‍તારમાં વધી ગયેલી બાંગ્‍લાદેશીઓની ઘૂસણખોરીને કાબૂમાં લઈ શકાય. આ ઉપરાંત પણ એક મુદ્દો એવો છે જેને જાહેર કર્યા વિના ભાજપે લક્ષ્યમાં રાખ્‍યો જ છે. માલદા અને મુર્શિદાબાદ મુસ્‍લિમ પ્રભુત્ત્વ ધરાવતા જિલ્લા છે, એટલે એને જો કેન્‍દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાય તો એટલા ભાગ પર નિયંત્રણ રાખવું ભાજપા માટે સરળ બની રહે. વધુમાં એ જિલ્લાઓમાં રહેલી મુખ્‍યમંત્રી મમતા બેનરજીની મતબેંક પણ તૂટે.

મજુમદારના પ્રસ્‍તાવની વિગતો જોતાં એમ કહી શકાય કે એના પર છેક જ ચોકડી મૂકી દેવા જેવું નથી, કારણ કે તેઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રના શિક્ષણ અને વિકાસના કેન્‍દ્રીય રાજય મંત્રી છે અને ત્‍યાંની સ્‍થિતિથી સારી રીતે વાકેફ છે. એ કારણસર પણ એમની યોજનાનું મૂલ્‍ય છે ખરું.

(3:40 PM IST)