<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

કેદારનાથમાં ફસાયેલા રાજકોટના 7 શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરાયા : 31 જુલાઈથી સંપર્ક તૂટ્યો હતો

રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાખંડ સરકારના વહીવટી તંત્ર સાથે વાતચીત કરવામાં આવતા તમામ લોકોને રેસ્ક્યુ કરાયું

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ટિહરીથી લઈને કેદારનાથ સુધી ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં વરસાદ સબંધી ઘટનાઓમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારે વરસાદના પગલે કેદારનાથની યાત્રા રોકી દેવામાં આવી છે. જેને પગલે કેદારનાથ જવા નીકળેલા અનેક યાત્રીઓ ફસાઈ ગયા છે. એવામાં રાજકોટથી કેદારનાથની યાત્રાએ નીકળેલા 7 જેટલા લોકો પણ ફસાઈ ગયા હતા. જેમને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

કેદારનાથ દર્શન કરવા નીકળેલા કલ્પેશ સંચણિયા (રહે. રાજકોટ), જીગ્નેશ સંચણિયા (રહે. રાજકોટ), યતિન મકવાણા (રહે. રાજકોટ), કેતન રાણપરા (રહે. ગોંડલ), પારસ ડોંગા (રહે. જામકંડોરણા), અંકિત ગોયાની (રહે. જામકંડોરણા) અને કમલેશ ભારડીયા (રહે. રાજકોટ) ગત 31 જુલાઈ બાદ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

જે બાદ પારસ ડોંગાના સબંધી હાર્દિકભાઈએ ડિઝાસ્ટર મેજમેન્ટ સેલમાં જાણ કરતા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરમાં જાણ કરવામાં આવી હતી. જ્યાંથી રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાખંડ સરકારના વહીવટી તંત્ર સાથે વાતચીત કરવામાં આવતા તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

જે પૈકી જામકંડોરણાના બે યુવકો પારસ દોંગા અને અંકિત ગોયાણી આજે રાત સુધીમાં દિલ્હી પહોંચી જશે. જ્યાંથી ટ્રેન મારફતે રાજકોટ અને ત્યાંથી જામકંડોરણા ઘરે આવી જશે. બન્ને યુવકો સાથે વાત થઈ જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે અન્ય શ્રદ્ધાળુંઓ પણ ટૂંક સમયમાં રાજકોટ પરત ફરશે.

  કેદારનાથમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF-SDRFની ટીમ દ્વારા રાતના સમયે પણ રેસ્ક્યુ અભિયાન ચલાવાઈ રહ્યું છે. અત્યાર સુધી હેલિકૉપ્ટર અને પગપાળા ચલાવવામાં આવેલા રેસ્ક્યુ અભિયાનમાં 4 હજારથી વધુ ભક્તોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવી ચૂક્યા છે. ભીમબલી અને લિનચોલીથી પણ ભક્તોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય ફસાયેલા લોકોના સલામત સ્થળાંતર માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. એરફોર્સના ચિનુક અને MI-17 હેલિકોપ્ટર દ્વારા 10 લોકોને રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યા છે.

(11:17 PM IST)