<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

લગ્ન ન થતાં કંટાળેલા યુવકે શંકર ભગવાનને પત્ર લખ્‍યો

શખ્‍સનો પત્ર સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છેઃ તેણે ચિઠ્ઠીમાં ભોલેનાથને પોતાની સમસ્‍યા વર્ણવી : આ શ્રાવણ મહિનામાં કોઈ છોકરી મળી જશે તો ભોલેનાથને બે બોરી ભરીને ભાંગ ચડાવશે અને એક કિલો ગાંજો પણ ચડાવાની માનતા

નવી દિલ્‍હી,તા. ૫: શ્રાવણ મહિનામાં લોકો પોતાની મનોકામના પુરી કરવા માટે શંકર ભગવાનને દિલથી પ્રાર્થના કરતા હોય છે. કેટલાય લોકો કાવડ લઈને પગપાળા યાત્રા કરી ભોલેનાથ પાસે પોતાની ફરિયાદ લઈને આવે છે. સોશિયલ મીડિયા પર કેટલાય કાવડ યાત્રીઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ લોકો પોતાની મનોકામના પુરી કરવા માટે અલગ અલગ આઈડીયા અપનાવતા હોય છે. કોઈ ભારે કાવડ ઉઠાવીને ભોલેબાબા પાસે જતા દેખાય છે તો શ્રવણ કુમારની માફક માતા-પિતાને કાવડામાં બેસાડે છે.

શ્રાવણના ભક્‍તિભાવવાળા માહોલમાં એક શખ્‍સે ભોલેનાથને પત્ર લખ્‍યો છે. શખ્‍સનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે ચિઠ્ઠીમાં ભોલેનાથને પોતાની સમસ્‍યા વર્ણવી છે. યુવક પોતાના લગ્ન ન થવાના કારણે કંટાળી ગયો છે. લાખ કોશિશ કરવા છતાં પણ યુવકના લગ્ન થઈ રહ્યા નથી. આ કારણે યુવકે પોતાની ફરિયાદ ભોલેનાથને પત્ર લખીને વ્‍યક્‍ત કરી છે. તેણે પોતાની સમસ્‍યા પત્રમાં લખી અને ભોલેનાથને પોસ્‍ટ કરી છે. શખ્‍સનો પત્ર વાંચીને લોકોને હસવું આવી રહ્યું છે.

શખ્‍સે પોતાના પત્રમાં ભોલેનાથને લગ્ન કરવાની રિક્‍વેસ્‍ટ કરી છે. પત્રમાં યુવકે લખ્‍યું છે કે,લાખ કોશિશ કરવા છતાં પણ તેને લગ્ન માટે છોકરી મળતી નથી. તેના લવ મેરેજ પણ થઈ શકતા નથી, કે સગાઈ પણ થતી નથી. ત્‍યારે આવા સમયે છેલ્લી આશાએ ભોલેનાથને લેટર લખ્‍યો છે. ભોલેનાથને યુવકે કહ્યું છે કે, કોઈ છોકરીની મતિ ફેર કરાવી દો, જેથી તે તેની સાથે લગ્ન કરી શકે.

યુવકે પોતાના લેટરમાં આગળ લખ્‍યું છે કે, જો આ શ્રાવણ મહિનામાં કોઈ છોકરી મળી જશે તો ભોલેનાથને બે બોરી ભરીને ભાંગ ચડાવશે અને એક કિલો ગાંજો પણ ચડાવાની વાત યુવકે કહી છે. આ પત્રને વાંચતા લોકો હસવા લાગે છે. સૌથી મજેદાર વાત આ પત્રનું સરનામું છે. યુવકે પત્રનું સરનામું કૈલાશ પર્વત પર પોસ્‍ટ કર્યો હતો. લોકોની વચ્‍ચે આ પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

(10:04 AM IST)