News of Tuesday, 6th August 2024
યાત્રાધામ અંબાજીમાં ફાયર ડ્રાઈવ : બે દિવસમાં 11થી વધુ હોટલો અને ધર્મશાળાઓ કરાઈ સીલ
100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ: હોટલ સંચાલકો અને ધર્મશાળા માલિકોમાં ફફડાટ

અંબાજી ખાતે 200 કરતાં વધુ હોટલો અને ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ આવેલી છે. જેમાં મોટાભાગની હોટલો, ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓમાં ફાયર સેફટી ન હોવાથી રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં ફાયર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જે સંદર્ભે શનિવારે અને આજે સોમવારે ફાયર વિભાગ દ્વારા એનઓસી સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી, જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને 2 દિવસમાં 11થી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરવામાં આવી છે.
અંબાજી ખાતે શનિવારે અને સોમવારે ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુરથી આવેલા ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથધરીને જે હોટલો ધર્મશાળાઓએ એનઓસી માટે એપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને આજે સીલ કરવામાં આવ્યા હતા. શનિવારે 5 એકમોને અને સોમવારે 6 એકમોને સીલ કરાયા હતા.
સોમવારે અંબાજીની અંબેવેલી હોટલ, ચરોતર સરદાર પટેલ ધર્મશાળા, ચૌધરી ધર્મશાળા, ભગવતી પાર્ટી પ્લોટ, શ્રી હોટલ અને પ્રજાપતિ ધર્મશાળાને સીલ કરવામાં આવી હતી. હજુ આ ફાયર વિભાગની ડ્રાઈવ અંબાજીની કોમર્શિયલ હોટલો, ધર્મશાળા, ગેસ્ટ હાઉસમાં ચાલુ રહેશે. અંબાજીના અમુક હોટલ માલિકોએ ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા. શનિવારે ફાયર વિભાગ દ્વારા અંબાજીની ઈસ્કોન અંબે વેલી હોટલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની રાજપૂત સમાજની ધર્મશાળા પણ સીલ કરવામાં આવી હતી.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
