તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th August 2024
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ વડાપ્રધાન મોદીએ ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી: સ્થિતિ પર મંથન
વિદેશ મંત્રી એસ જયશંકરે મામલાના મહત્વના મુદ્દાઓને કેબિનેટ કમિટી સમક્ષ રાખ્યા: અજીત ડોભાલ સાથે શેખ હસીનાએ કરી મુલાકાત; ભારત-બાંગ્લાદેશ સરહદ પર સતર્કતા વધારી

નવી દિલ્હી :બાંગ્લાદેશમાં સત્તાપલટા વચ્ચે વડાપ્રધાન મોદીએ સાંજે પોતાના સત્તાવાર નિવાસ સ્થાને સુરક્ષા મામલે કેબિનેટ સમિતિની એક બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં બાંગ્લાદેશની સ્થિતિ પર મંથન થયું. વિદેશ મંત્રી એસ જયશંકરે મામલાના મહત્વના મુદ્દાઓને કેબિનેટ કમિટી સમક્ષ રાખ્યા. બાંગ્લાદેશમાં નોકરીમાં અનામત ખતમ કરવાની માગ પર છાત્રોના ભારે વિરોધ અને હિંસા વચ્ચે ત્યાંનાં વડાંપ્રધાન શેખ હસીનાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું એટલું જ નહીં જીવ બચાવવા દેશ છોડીને ભાગવું પડ્યું.
સુરક્ષા પર મંત્રીમંડળની સમિતિની બેઠકથી અલગ વિદેશ મંત્રી જયશંકરે વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપી. વડાપ્રધાન મોદીની સાથે બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ હાજર હતાં. આ ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ વિદેશ મંત્રી જયશંકર સાથે વાત કરી.
આ વચ્ચે સરકારે બાંગ્લાદેશ સાથે સરહદની સાથે સાથે પૂર્વોત્તરના રાજ્યો માટે વિશેષ ચેતવણી જાહેર કરી છે. BSFએ બાંગ્લાદેશની ઘટનાને જોતા 4,096 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ પર સતર્કતા વધારી છે અને પોતાના તમામ યૂનિટ માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. BSFના કાર્યવાહક મહાનિદેશક દલજીત સિંહ ચૌધરી અને અન્ય વરિષ્ઠ કમાન્ડર સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચી ગયા છે.
DGએ ઉત્તર 24 પરગના જિલ્લા અને સુંદરવન વિસ્તારમાં સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. કોલકાતામાં BSFના દક્ષિણ બંગાળ ફ્રંટિયરના પ્રવક્તાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં બદલાતી સ્થિતિને જોતા BSFએ સમગ્ર ભારત-બાંગ્લાદેશ સરહદ પર એલર્ટ જાહેર કરી દીધું અને સરહદ પર ફરજ બજાવતા જવાનોની સંખ્યા વધારી દેવાઈ છે. પાડોસી દેશને લગત સરહદ પર ફરજ બજાવતા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે અને હવે તમામ યુનિટને સંપૂર્ણ રીતે સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.
BSFએ આસામના કરીમગંજમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યું છે. તો મેઘાલયના મુખ્યમંત્રી કૉનરાડ સંગમાએ પણ એક વીડિયો જારી કરી જણાવ્યું કે, અમે સરહદ પર સોમવારની રાતથી જ નિષેધાજ્ઞા લાગુ કરી દીધી છે.
આ વચ્ચે બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ઉત્તરપ્રદેશના હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમની આગેવાની કરી. આ દરમિયાન હસીના અને ડોભાલ વચ્ચે લાંબી વાતચીત થઈ. વાતચીત અંગે તો હાલ કોઈ અધિકારી કંઈ બોલવા માટે તૈયાર નથી.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
