News of Tuesday, 6th August 2024
શેખ હસીનાને સુરક્ષા આપવા ભારે તૈનાત કર્યા'તા રાફેલ વિમાન : આર્મી ચીફની સતત દેખરેખ
ઢાકાથી સરળતાથી દિલ્હી ન્હોતા પહોંચયા પૂર્વ પીએમ

નવી દિલ્હી, તા.૬: બાંગ્લાદેશમાં સત્તા પરથી હટયા બાદ શેખ હસીના ભારત તરફ આવી રહી હતી ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓ કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના રડાર બાંગ્લાદેશ ઉપરના એરસ્પેસ પર સક્રિયપણે નજર રાખી રહ્યા હતા અને બપોરે ૩ વાગ્યાની આસપાસ ભારત તરફ આવતા એક વિમાનને શોધી કાઢયું હતું.
વિમાનને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી કારણ કે એર ડિફેન્સ કર્મચારીઓને ખબર હતી કે પ્લેનની અંદર કોણ છે. સૂત્રોએ જણાવ્યું કે એરક્રાફ્ટને સુરક્ષા આપવા માટે, બંગાળના હાશિમારા એરબેઝથી ૧૦૧ સ્ક્વોડ્રનના બે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ બિહાર અને ઝારખંડની ઉપર ઉડી રહ્યા હતા.
વિમાન તેના ઉડાન પાથ પર હતું અને જમીન પર એજન્સીઓ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી હતી. ટોચના ભારતીય સુરક્ષા અધિકારીઓ સાથે પણ સતત વાતચીત કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે.
ટોચના સુરક્ષા અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી, જેમાં ગુપ્તચર એજન્સીના વડા જનરલ દ્વિવેદી અને ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા લેફ્ટનન્ટ જનરલ જોન્સન ફિલિપ મેથ્યુએ પણ હાજરી આપી હતી. હસીનાનું વિમાન હિંડન એરબેઝ પર ઉતરતાની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમનું સ્વાગત કર્યું અને તેમની સાથે એક કલાક લાંબી બેઠક કરી.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
