News of Wednesday, 7th August 2024
નવી હજ નીતિ જાહેર;સરકારી ક્વોટા ઘટાડીને 70 ટકા: જાણો મહિલાઓને લઈ શું છે નિર્ણય?
65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને હજ યાત્રા પર સાથીદાર સાથે લઈ જવામાં આવશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નવી હજ પોલિસી લાવી છે. આ અંતર્ગત હવે કુલ હજ ક્વોટામાંથી 70 ટકા હિસ્સો ભારતીય હજ સમિતિ પાસે રહેશે, જ્યારે 30 ટકા ખાનગી ટૂર ઓપરેટર (HGO) હેઠળ રહેશે. અગાઉ હજ પોલિસી હેઠળ સરકારી ક્વોટા 80 ટકા હતો જે આ વખતે 10 ટકા ઘટાડ્યો છે.
ખાનગી ટૂર ઓપરેટરોના ક્વોટામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દર વર્ષે હજ કરાર હેઠળ ક્વોટા નક્કી કરવામાં આવે છે.
નવી હજ નીતિમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત સરકાર અને સાઉદી અરેબિયા વચ્ચે દર વર્ષે થયેલા હજ કરારમાં ભારતને હજ ક્વોટાની સંખ્યા ફાળવવામાં આવે છે. કુલ ક્વોટામાંથી, 70 ટકા હજ સમિતિને ફાળવવામાં આવશે, જ્યારે 30 ટકા HGOને ફાળવવામાં આવશે. આ વર્ષે હજ પોલિસી હેઠળ એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને હજ યાત્રા પર સાથીદાર સાથે લઈ જવામાં આવશે. 'મેહરમ' વગરની મહિલાઓને પહેલાની જેમ જ પસંદગી મળતી રહેશે.
હજ 2024ના તમામ ભારતીય હજ યાત્રીઓ સુરક્ષિત પરત ફર્યા છે હજ 2024ના તમામ ભારતીય હજ યાત્રીઓ સુરક્ષિત વતન પરત ફર્યા છે. તેમાંથી 95 ટકાથી વધુ હજ યાત્રીઓએ હજ કમિટી ઓફ ઈન્ડિયા અને સાઉદી અરેબિયામાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ભારત સરકારનો ખાસ કરીને લઘુમતી બાબતોના મંત્રાલયનો આભાર માન્યો હતો.
હજ કમિટિ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. લિયાકત અલી અફાકીએ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર હજ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે લઘુમતી બાબતોના મંત્રાલયની વિશેષ દેખરેખને કારણે હજ 2024 ઘણી રીતે અનુકરણીય હતું. તેમણે કહ્યું કે હજ 2024માં પ્રથમ વખત ભારતીય હજ યાત્રીઓને સુવિધાઓની દ્રષ્ટિએ ઘણી અનોખી ભેટ મળી છે. 95 ટકાથી વધુ ભારતીય હજ યાત્રીઓને મદીનામાં મસ્જિદ નબવીની ખૂબ જ નજીક રાખવામાં આવ્યા હતા.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
