<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

નાગપુરમાં સિમેન્ટ બ્લોક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં વિસ્ફોટમાં બેના મોત : સાત ઘાયલ

ફેક્ટરીની નજીક આવેલા છ ઘરોને ખરાબ રીતે નુકસાન : અમુક પશુઓના મોત

નાગપુર : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં મંગળવારે સવારે સિમેન્ટ બ્લોક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં બે કામદારોના મોત થયા હતા અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નાગપુરથી લગભગ 50 કિલોમીટર દૂર મૌડા તાલુકાના જુલર ગામમાં સ્થિત શ્રીજી બ્લોક્સ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં સવારે 3.30 વાગ્યે આ ઘટના બની હતી. તે સમયે પીડિતો નિયમિત કામ કરી રહ્યા હતા.

મૌડા પોલીસે જણાવ્યું હતું કે ફેક્ટરીમાં ક્રેન ઓપરેટર જુલરના રહેવાસી નંદકિશોર રામકૃષ્ણ કરંડે (40)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે બ્રહ્માનંદ માનેગુર્ડે (45)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે અન્ય સાત કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે આ ઘટનામાં ફેક્ટરીની નજીક આવેલા છ ઘરોને ખરાબ રીતે નુકસાન થયું છે અને ત્રણ બકરા પણ મૃત્યુ પામ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાનું કારણ જાણવા ફોરેન્સિક કર્મચારીઓ અને ઉદ્યોગ નિષ્ણાતોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કંપનીએ એક પ્રેસ રિલીઝમાં મૃતકના પરિવારને 30 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ કામદારો જુલર, વડોદા અને રણમંગલી ગામના હતા.

 

(11:49 AM IST)