<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

અમેરિકામાં મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચારઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ફેડરેશન ઓફ ગુજરાતી એશો.નું સંમેલન સંબોધતા પૂર્વ મંત્રી

રાજકોટ, તા., ૭: અમેરિકાના  ખાતેના ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન (FOGA )દ્વારા સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતીઓ નું મહાસંમેલન અમેરિકાના ડલાસ ખાતે યોજાતા ગુજરાતીઓના આ  ત્રિદિવસીય મહાસંમેલનને ભવ્ય સફળતા મળી હતી. સમગ્ર અમેરિકા માંથી આ સંમેલનમાં અંદાજે ૨૫૦૦ થી વધુ ગુજરાતી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.  હાલમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ગુજરાતના મંત્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જગદીશભાઈ પંચાલ તથા  પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય વિપુલ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહાસંમેલનને સંબોધતા પૂર્વમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક પરિવાર એકબીજા સાથે ગુજરાતીમાં જ વાતચીત કરે તો જ વિદેશમાં આપણી ગુજરાતી માતૃભાષા જીવંત રહેશે. સનાતન સંસ્કૃતિ, હિન્દુ ધર્મ અને માતૃભાષાને જીવંત રાખવામાં અમેરિકામાં તથા વિશ્વના અન્ય રાષ્ટ્રોમાં સ્વામિનારાયણ સંપ્રદાયે ખૂબ વિશેષ ભૂમિકા ભજવી છે ત્યારે આપણે પણ એક સામાજિક જવાબદારી સમજીને આપણી માતૃભાષાને જીવંત રાખવામાં  મદદરૂપ બનવું જોઈએ.

અમેરિકામાં બીએપીએસના ૧૨૫, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૫, ઉપરાંત ગુરુકુળ સ્વામિનારાયણ, રાજકોટ અને છારોડી ઉપરાંત દક્ષિણ ભારતની સંસ્થાઓ દ્વારા સંચાલિત અલગ અલગ હિન્દુ મંદિરો સાથે ૨૦૦ થી વધુ સનાતન મંદિરો અત્યારે ભારતીય સંસ્કૃતિના સનાતન મૂલ્યોનો પ્રસાર અમેરિકામાં કરી રહ્યા છે, તેમ જણાવી શ્રી ચુડાસમાએ ઉમેર્યું હતું કે વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ ની અસ્મિતા સતત ઉજાગર કરવામાં આ પ્રકારના ધાર્મિક સંસ્થાનોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.

શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે અમેરિકાના ડલાસ ખાતેના આ સંમેલનમાં ત્રણ દિવસનો સમય કાઢીને સંમેલનને સફળ બનાવવામાં ગુજરાતીઓએ જે અથાગ પરિશ્રમ કર્યો છે, તે અભિનંદનને પાત્ર છે. દર બે વર્ષે અલગ અલગ સ્ટેટમાં આ પ્રકારના મહાસંમેલન રાખવામાં આવે તો અમેરિકામાં ગુજરાતી સમાજને વધુ સંગઠિત બનાવી શકાશે તથા પારસ્પરિક સંપર્ક પણ વધશે. તેમણે  કોઈપણ ઓળખાણ, પરિચય વગર  કોઈ પણ રાજ્ય કે ગુજરાત થી પહેલીવાર આવતા વિદ્યાર્થી કે એમ્પ્લોઇને એરપોર્ટથી રિસીવ કરીને ભારતથી આવતા વિદ્યાર્થી અહીં સેટલ થાય ત્યાં સુધી અંદાજે બે ત્રણ માસ સુધીની એમના માટે રહેવા જમવાની વ્યવસ્થા જો અહીંના ગુજરાતી સમાજ દ્વારા ઉભી કરવામાં આવે તો અહીં આવતા વિદ્યાર્થીઓને પણ સાનુકૂળતા રહેશે.

હાલમાં ઉમિયા ફાઉન્ડેશન( આર પી પટેલ) દ્વારા આ સેવા ચાલુ જ છે. તેઓ સાથે ટાયપ કરીને સમગ્ર અમેરિકામાં ગુજરાતીઓ કે આપણા દેશના કોઈપણ નાગરિક માટે  આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. આ સૂચનને ફોગોના પ્રમુખ ડોકટર વાસુદેવભાઈ પટેલે સમર્થન આપતા સંમેલનમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ખુશી વ્યકત કરી હતી.

(12:30 PM IST)