<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ઓલમ્પિકમાં ભારતને મોટો ફટકો : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકની મહિલા કુસ્તીની 50 કિગ્રા ઈવેન્ટમાંથી વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી : હવે વિનેશ ન તો ફાઈનલ રમી શકશે અને ન તો તેને સિલ્વર મેડલ મળશે

ફક્ત ૧૦૦ ગ્રામ વધુ વજન ના લીધે વિનેશ ગેરલાયક ઠરી : કરોડો ભારતીયોનું ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન રોળાયુ

પેરીસ : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ ગુરુવારે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મહિલાઓની 50 કિગ્રા કુસ્તી સ્પર્ધાની ફાઇનલમાં યુએસએની સારાહ હિલ્ડેબ્રાન્ડનો સામનો કરવાની હતી. પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, વિનેશ 50 કિલોગ્રામ ગોલ્ડ મેડલ મેચની સવારે વજન ઉતારી શકી ન હતી, જેના પછી તેને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે રેસલરનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં લગભગ 100 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. સ્પર્ધાના નિયમો મુજબ, ફોગાટ સિલ્વર મેડલ માટે પણ હવે પાત્ર નહીં ગણાય અને માત્ર 50 કિગ્રામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડી જ હવે ભાગ લેશે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પણ આ સમાચાર વિશે માહિતી આપતાં કહ્યું, "અફસોસ સાથે જણાવવાનું કે ભારતીય ટુકડી વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કર્યાના સમાચાર શેર કરી રહી છે. ટીમ દ્વારા આખી રાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેણીનું વજન કેટલાક ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું."

તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે મંગળવારની મેચો માટે વજન ઉતાર્યું હતું. પરંતુ નિયમો અનુસાર, કુસ્તીબાજોએ સ્પર્ધાના બંને દિવસે તેમના વજન વર્ગમાં રહેવું પડે. આ જ કારણ છે કે વિનેશ અંતિમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

મંગળવારે, ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. સ્પર્ધામાં વિનેશે સળંગ ત્રણ જીત સાથે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. 29 વર્ષીય કુસ્તીબાજએ પ્રથમ રાઉન્ડમાં ટોપ સીડ અને ટોક્યો 2020 ચેમ્પિયન જાપાનના યુઇ સુસાકીને હરાવી હતી. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ યુરોપિયન ચેમ્પિયન યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવી હતી. સેમિફાઇનલમાં ક્યુબાના વર્તમાન પેન અમેરિકન ગેમ્સ ચેમ્પિયન યુસ્નેલિસ ગુઝમેનનો પરાજય થયો હતો. અ સાથે કરોડો ભારતીયોનું ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન રોળાય ગયું છે.

 

(12:55 PM IST)