<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બાંગ્‍લાદેશના અજંપાથી અમદાવાદ-સુરતનો ૧૩૦૦ કરોડનો વેપાર ટલ્લે

૫૦૦ કરોડનો વેપાર ધરાવતા સુરતના ટેક્‍સટાઇલ ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાયા :રાજકીય અસ્‍થિરતાને પરિણામે પેમેન્‍ટ અટવાયા

નવી દિલ્‍હી, તા.૭: અનામતની આગથી દાઝેલા બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના વાજેદ દેશ છોડીને ભાગ્‍યા તેથી નિર્માણ થયેલી રાજકીય અસ્‍થિરતાને પરિણામે અમદાવાદના નરોડા, વટવા અને ઓઢવથી બાંગલાદેશના પ્રોસેસિંગ ઉદ્યોગને રિએક્‍ટિવ ડાઈઝ સપ્‍લાય કરનારાઓના અંદાજે રૂ. ૮૦૦થી ૧૦૦૦ કરોડ ફસાઈ ગયા છે. આ માહિતી ગુજરાત ડાયસ્‍ટફ મેન્‍યુફેક્‍ચરિંગ એસોસિયેશનના પ્રમુખ દીપક પટેલે આપી છે.

આ અંગે કેમેક્‍સિલના અમદાવાદ ક્ષેત્રના ચેરમેન ભૂપેન્‍દ્રભાઇ પટેલે પણ માહિતી આપી હતી. તેમના મતે, ફેબ્રિક્‍સને પ્રોસેસ કરીને તેને અવનવા કલર આપવા માટે રિએક્‍ટિવ ડાઈઝની બાંગલાદેશમાં મોટે પાયે નિકાસ કરવામાં આવે છે. દેશમાંથી કુલ કેમિકલની થતી નિકાસના દસથી ૧૨ ટકા જેટલી નિકાસ એકલી બાંગલાદેશમાં કરવામાં આવી રહી છે. આ નિકાસ કરનારાઓના માલ ફસાયા છે. ભારતમાંથી બાંગલાદેશમાં રિએક્‍ટિવ ડાઈઝની થતી નિકાસ અંદાજે રૂ.૨૫૦૦ કરોડથી વધારેની હોવાનું માનવામાં આવે છે. સામાન્‍ય રીતે ૯૦ દિવસની એલ.સી. પર પેમેન્‍ટ આવી જતું હોય છે. પરંતુ બાંગલાદેશની રાજકીય અસ્‍થિરતાને પરિણામે પેમેન્‍ટ અટવાયા છે. ઘણાંના કન્‍સાઈનમેન્‍ટ અધવચ્‍ચે જ અટકાવી દેવામાં આવ્‍યા છે. કેટલાકના કન્‍સાઈનમેન્‍ટ ભારત અને બાંગલાદેશની જોડતી સહદર પર પડેલા છે. આમ પેમેન્‍ટ ઉપરાંત ઓન રૂટ માલ પણ ખાસ્‍સો અટવાયેલો પડ્‍યો છે.

કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે બાંગ્‍લાદેશમાં નિર્માણ થયેલી રાજકીય અસ્‍થિરતાને પરિણામે અહીંના સપ્‍લાયર્ને આર્થિક ફટકો ન પડે તે અંગે ચર્ચા કરવા માટે બાંગલાદેશના ટેક્‍સ્‍ટાઈલના સાહસિકોના એસોસિયેશનો સંપર્ક કરીને રાજકીય સ્‍થિતિનો અંદાજ માંગ્‍યો છે. તેમ જ ભારતના એક્‍ટિવ ડાઈઝના સપ્‍લાયર્સના નાણાંની સ્‍થિતિ શી છે તે અંગે પૂછપરછ પણ કરી હતી. બાંગલાદેશના ઉદ્યોગ સાહસિકોએ જણાવ્‍યું છે કે તેમને ત્‍યાં સર્જાયેસી સ્‍થિતિ ટૂંક સમયમાં શાંત પડી જવાની સંભાવના છે. આ અસ્‍થિરતા શાંત પડી જતાં રાબેતા મુજબનો વેપાર અને આર્થિક વહેવાર ચાલુ થઇ જશે.

બાંગ્‍લાદેશમાં ફાટી નીકળેલા હિંસક તોફાનો અને રાજકીય અરાજકતાને પગલે બાંગ્‍લાદેશ સાથે સીધો ૫૦૦ કરોડનો વેપાર ધરાવતા સુરતના ટેક્‍સટાઇલ ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાયા છે. જો કે ઉદ્યોગકારોના મતે હાલમાં કોઇ પણ રીતે વેપારને અસર થઇ નથી પરંતુ જો આવી સ્‍થિતી લાંબો સમય રહેશે તો ચૌક્કસપણે તેની અસર જોવા મળશે. અનામત મુદ્દે ફાટી નીકળેલી હિંસાના પગલે બાંગ્‍લાદેશમાં સર્જાયેલી અરાજકતાને પગલે સુરતના ટેક્‍સટાઇલ ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાયા છે. હિન્‍દુ મંદિરોની તોડફોડ તથા હિન્‍દુ નેતાની હત્‍યા સહિત ઠેરઠેર આગચંપી સહિત હિંસક ઘટના ઉપર નિયંત્રણ મેળવવા સૈન્‍ય દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ હિંસક તોફાનો કયારે અટકે અને બાંગ્‍લાદેશમાં સર્જાયેલી રાજકીય અરાજકતાનો કયારે અંત આવશે તે અંગે કહેવું અશકય છે. તેવા સંજોગોમાં સુરતની ઓળખ ગણાતા ટેક્‍સટાઇલ ઉદ્યોગ ઉપર તેની અસર જોવા મળે તો નવાઇ નહીં.

આ અંગે ફોસ્‍ટા પ્રમુખ કૈલાશ હાકીમ જણાવે છે કે સુરતથી બાંગ્‍લાદેશ સાથે વર્ષે ૫૦૦ કરોડનો વેપાર થાય છે. વાયા કલકત્તા, ચેન્નાઇ અને મુંબઇ થઇ આરએફડી, પ્રિન્‍ટેડ અને ડાઇડ ગારમેન્‍ટ ફેબ્રીક અને સ્‍ટીચ ગારમેન્‍ટ એક્‍સપોર્ટ થાય છે. ટેક્‍સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે બાંગ્‍લાદેશ વિશ્વમાં ત્રીજા નંબરે છે અને વેપારની દ્વષ્ટિએ સીધી રીતે સુરત સાથે ક્રેકશન છે. જો કે બાંગ્‍લાદેશમાં ફાટી નીકળેલી હિંસાની હાલમાં સુરતના ટેક્‍સટાઇલ ઉદ્યોગને હજી કોઇ અસર થઇ નથી. પરંતુ જો આ હિંસા લાંબા સમય સુધી ચાલશે તો તેની સીધી અસર સુરતના ટેક્‍સટાઇલ ઉદ્યોગને થશે. ઉલ્લેખનીય છે કે પેમેન્‍ટ સાઇકલ ૧૨૦ દિવસની છે અને બાંગ્‍લાદેશના તહેવારની ઉજવણીની દ્રષ્ટિએ જે ઓર્ડર મળવા જોઇએ તે મળશે કે નહીં તે પણ હિંસક સ્‍થિતી કયારે નિયંત્રણમાં આવે તેની ઉપર છે.

આ વિશે વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે હિંસક તોફાનો જો નિયંત્રણમાં નહીં આવે તો બાંગ્‍લાદેશ સાથેના સીધા ૫૦૦ કરોડના વેપારને અસર થશે. પરંતુ ટેક્‍સટાઇલ ક્ષેત્રે બાંગ્‍લાદેશ વિશ્વમાં ત્રીજા નંબર છે તેની ઉપર પણ અસર થશે અને તેનો સીધો લાભ ભારતને અને તેમાં પણ ખાસ કરીને સુરતના ટેક્‍સટાઇલ ઉદ્યોગકારોને મળશે.(૨૩.૨૨)

(3:26 PM IST)