<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

એક હજારનો દંડ ભરીને એક ઓક્‍ટોબર સુધીમાં આધાર-પાન લિંક કરાવી શકાશે

મુંબઇ,તા. ૮: આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા માટે વખતોવખતની અપીલ બાદ હજુ પણ કેટલાય કરદાતાઓએ તે પ્રક્રિયા પૂરી કરી નથી. આવા કરદાતાઓ માટે આગામી એક ઓક્‍ટોબર ૨૦૨૪ સુધીમાં પાન અને આધારકાર્ડ લિંક કરવા માટેની છેલ્લી મુદત આપવામાં આવી છે. આના માટે કરદાતા પાસે એક હજાર રૂપિયા સુધીનો દંડ ભરીને આધાર-પાન લિંક કરાવી શકશે. આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં હોય તેવા કરદાતાઓ દ્વારા આઈટી રિટર્ન ફાઈલ કરવામાં આવે ત્‍યારે તેને માન્‍ય ગણવામાં આવશે નહીં. આ ઉપરાંત રિટર્ન ફાઈલ કર્યા બાદ નિયમ પ્રમાણે જે રિફંડ કરદાતાના ખાતામાં આપવામાં આવે છે તે પણ બંધ કરી દેવામાં આવશે. જયારે જે કરદાતાએ આધાર અને પાનકાર્ડ લિંક કરાવ્‍યું નહીં હોય તેવા કરદાતાઓને ચુકવણી કરવામાં આવે તેવા સંજોગોમાં તેનો ટીડીએસ પણ બમણો કાપીને વિભાગમાં જમા કરાવવાનો રહેશે.

આવા નિયમોને કારણે કરદાતાઓને ભારે આર્થિક નુકસાન થવાની પણ શક્‍યતા રહેલી છે. જોકે આ માટે ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા કરદાતાઓને વખતોવખત આધાર અને પાનકાર્ડ લિંક કરવા માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં હજુ પણ અનેક કરદાતાઓએ તે કાર્યવાહી પૂરી કરી નહીં હોવાના લીધે આગામી દિવસોમાં આકરા પગલાં ભરવામાં આવે તેવી પણ શક્‍યતા રહેલી છે. સાથે સાથે પાનકાર્ડ પણ નિષ્‍ક્રિય કરી દેવામાં પણ આવનાર છે.

(10:00 AM IST)