<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જો મને સીએમ પદની ઓફર કરવામાં આવી હોત તો સમગ્ર NCPને સાથે લાવ્‍યો હોત

હું શિંદે અને ફડણવીસ કરતાં વધુ સિનિયર છું: અજિત પવાર

મુંબઇ, તા.૮: આ વર્ષના અંતમાં મહારાષ્‍ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે. રાજ્‍યના ઘણા વરિષ્ઠ નેતાઓ પોતાનું રાજકીય ભવિષ્‍ય શોધવામાં વ્‍યસ્‍ત છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં મહાયુતિ ગઠબંધનની હાર બાદ NCP (અજિત પવાર)ના જૂથે ‘એકલા ચલો રે'ની નીતિ અપનાવી છે.

એવી અટકળો છે કે અજિત પવાર જૂથ વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડી શકે છે. આ દરમિયાન બુધવારે અજિત પવારે મોટું નિવેદન આપ્‍યું છે. તેમણે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ તેમને મુખ્‍યમંત્રી પદની ઓફર કરી હોત તો તેઓ આખી રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને પોતાની સાથે લઈ આવ્‍યા હોત.

વર્તમાન સીએમ એકનાથ શિંદેની જીવનચરિત્ર યોદ્ધા કર્મયોગી-એકનાથ સંભાજી શિંદેના લોકાર્પણ પ્રસંગે બોલતા અજિત પવારે મજાકમાં કહ્યું કે રાજકારણમાં તેઓ સીએમ શિંદે અને નાયબ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ બંને કરતા વરિષ્ઠ છે. આ કાર્યક્રમમાં સીએમ એકનાથ શિંદે અને દેવેન્‍દ્ર ફડણવીસ પણ હાજર હતા.

બધા આગળ વધ્‍યા અને હું પાછળ રહી ગયો, તેમણે કહ્યું કે ફડણવીસ પ્રથમ વખત ૧૯૯૯માં અને શિંદે ૨૦૦૪માં ધારાસભ્‍ય બન્‍યા હતા, જ્‍યારે તેઓ પ્રથમ વખત ૧૯૯૦માં રાજ્‍ય વિધાનસભાના સભ્‍ય બન્‍યા હતા. ફડણવીસે ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી બે વાર મુખ્‍ય પ્રધાન તરીકે અને ૨૦૧૯ માં ૭૨ કલાક સુધી સેવા આપી હતી જ્‍યારે અજિત પવારે તેમની સાથે અલ્‍પજીવી ગઠબંધન સરકારમાં હાથ મિલાવ્‍યા હતા.

તેમણે કહ્યું, મેં કેટલાક લોકોને મજાકમાં કહ્યું કે જ્‍યારે તમે (ભાજપના સંદર્ભમાં) એકનાથ શિંદેને ઘણા ધારાસભ્‍યો સાથે આવવાનું કહ્યું હતું અને તેમને મુખ્‍યપ્રધાન બનાવવામાં આવ્‍યા, તમારે મને પણ પૂછવું જોઈતું તું, હું પણ આખી પાર્ટી સાથે આવ્‍યો હોત.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં એકનાથ શિંદેએ ૩૯ ધારાસભ્‍યો સાથે તત્‍કાલીન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી મહાવિકાસ આઘાડીની સરકાર પડી. ત્‍યારબાદ એકનાથ શિંદે સીએમ બન્‍યા.

(10:30 AM IST)