<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ઈરાન-લેબનોન ધમકી આપતા રહ્યા : ઈઝરાયેલે હિઝબુલ્લાના અનેક ઠેકાણા ફુંકી માર્યા : રાતભર હુમલા

ઈરાનમાં હમાસ નેતા ઈસ્‍માઈલ હાનિયાની હત્‍યા બાદ મધ્‍ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે : ઈરાને હાનિયાના મોતનો બદલો ઈઝરાયલ પાસેથી લેવાની જાહેરાત કરી હતી

નવી દિલ્‍હી, તા.૮: મધ્‍ય પૂર્વમાં સતત વધી રહેલા સંકટ વચ્‍ચે, ઇઝરાયેલી સૈન્‍ય (IDF) એ હિઝબોલ્લાહના કેટલાક લક્ષ્યો પર ઝડપી હુમલા શરૂ કર્યા. IDFનું કહેવું છે કે તેઓએ દક્ષિણ લેબનોનમાં રાતોરાત હુમલા કરીને હિઝબુલ્લાહની ઘણી જગ્‍યાઓને નષ્ટ કરી દીધી હતી.

ઈરાન અને લેબનોનની ધમકીઓ વચ્‍ચે હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયેલનો આ હુમલો થયો છે. વાસ્‍તવમાં ઈરાનમાં હમાસ નેતા ઈસ્‍માઈલ હાનિયાની હત્‍યા બાદ મધ્‍ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને હાનિયાના મોતનો બદલો ઈઝરાયલ પાસેથી લેવાની જાહેરાત કરી હતી.

૩૧ જુલાઈએ રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્‍માઈલ હાનિયાની હત્‍યાથી નારાજ ઈરાને ઈઝરાયેલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન કોઈપણ સમયે યુદ્ધ મોરચો ખોલી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી એન્‍ટની બ્‍લિંકને પણ ઈરાન અને હિઝબુલ્લાની આ ધમકીઓને ધ્‍યાનમાં રાખીને કહ્યું હતું કે આ દેશો કોઈપણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. પરંતુ ઈરાન અને લેબેનોનની ધમકીઓને નજરઅંદાજ કરીને ઈઝરાયેલે હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે.

આ ધમકીઓને જોતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહુએ કહ્યું હતું કે ઈરાન અને તેના સાગરિતો અમને આતંકવાદના ચુંગાલમાં ફસાવા માંગે છે. અમે દરેક મોરચે અને દરેક ક્ષેત્રમાં, નજીક કે દૂર તેમની સામે ઊભા રહેવા માટે મક્કમ છીએ.

હકીકતમાં ગત સપ્તાહે ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્‍માઈલ હાનિયાની હત્‍યા બાદ તણાવ વધી ગયો છે. આ ઘટનાના એક દિવસ પહેલા લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્‍ય કમાન્‍ડર ફૌદ શુકરની હત્‍યા કરવામાં આવી હતી. હાનિયા ગાઝામાં હમાસનો ચીફ હતો અને તે ઈરાનના નવા રાષ્‍ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન ગયો હતો.

અહીં હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલને નિશાન બનાવવાનું શરૂ કર્યું. હિઝબુલ્લાએ ગયા શનિવારે ઇઝરાયેલ પર લગભગ ૫૦ રોકેટ છોડ્‍યા હતા. જોકે, ઈઝરાયેલના આયર્ન ડોમે આ હુમલાને નિષ્‍ફળ બનાવ્‍યો હતો.

ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા બદલો લેવાની જાહેરાતને કારણે મધ્‍ય પૂર્વમાં મોટા પાયે યુદ્ધની શકયતા વધી ગઈ છે. આ દરમિયાન અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બિડેને વર્તમાન પરિસ્‍થિતિ અંગે ચર્ચા કરવા ઈમરજન્‍સી બેઠક યોજી હતી. પેન્‍ટાગોને વધુ ઘટનાઓને રોકવા માટે આ વિસ્‍તારમાં વધારાના સૈન્‍ય દળોને તૈનાત કરવાની જાહેરાત કરી છે.

(3:21 PM IST)