<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

માઉન્‍ટ આબુમાં નખી લેક પાસે દબાણ હટાવાતા ભારે વિરોધ

નખી લેકની આસપાસની તમામ હોટલ, ખાણીપીણીની દુકાનો અચોક્કસ મુદત માટે બંધ : સહેલાણીઓને લેકની આસપાસ ચા-નાસ્‍તા ન મળ્‍યા : જમવા અને ખરીદી માટે પણ દૂર જવાની ફરજ પડી હતી

માઉન્‍ટ આબુ, તા.૯: પ્રખ્‍યાત હિલ સ્‍ટેશન માઉન્‍ટ આબુમાં નખી લેક પાસે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે સ્‍થાનિક દુકાનદારોએ હોટલ, ખાણી-પીણીની દુકાનો અચોક્કસ મુદત માટે બંધ કરી દીધી હતી. જેથી આબુ ગયેલા અસંખ્‍ય સહેલાણીઓને નખી લેકની આસપાસના ફેવરીટ ગણાતા આઇસ્‍ક્રીમ, ચા સહિતના નાસ્‍તાનો લહાવો માણવા મળ્‍યો ન હતો. સહેલાણીઓને નાસ્‍તો કરવા, જમવા અને ખરીદી માટે પણ દૂર જવાની ફરજ પડી હતી.

માઉન્‍ટ આબુમાં ફરવાલાયક ગણાતા સ્‍થળ પૈકી સૌથી નજીકનું નખી લેક તમામ સહેલાણીઓ માટે ફેવરીટ છે. તમામ ઋતુમાં અહીં સહેલાણીઓની ભીડ જામેલી હોય છે. ખાસ કરી ચોમાસા દરમિયાન તો પડાપડી થતી હોય છે ત્‍યારે માઉન્‍ટ આબુમાં તંત્ર દ્વારા એસટી બસ સ્‍ટોપથી લઇને નખી લેક આસપાસ આવેલી દુકાનો, હોટલ સહિતની જગ્‍યાએ ગેરકાયદે બાંધકામ અને શેડ તોડવાની કામગીરી શુક્રવારે  સવારથી જ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે નખી લેકની નજીક આવેલી દુકાનોમાં થયેલા દબાણ દૂર કરવામાં આવ્‍યા હતા. જેના કારણે વેપારીઓમાં રોષ ફાટી નીકળ્‍યો હતો. બપોરે તો નખી લેક અને આસપાસની તમામ દુકાનો ફરજિયાત બંધ કરી દીધી હતી અને તંત્ર સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. ત્‍યારબાદ સાંજે આ મામલે વેપારીઓએ તંત્રના સ્‍થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ મોડી સાંજ સુધી આ મામલે કોઇ જ નિકાલ આવ્‍યો ન હતો. જેથી વેપારીઓએ જ્‍યાં સુધી આ મુદ્દાનો નિકાલ ન આવે ત્‍યાં સુધી દુકાનો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી નખી લેકની આસપાસ આઇસક્રીમ, ચા, નાસ્‍તા, ખરીદીની તમામ દુકાનો બંધ રહી હતી. જેથી સહેલાણીઓ નાસ્‍તો, ચા કે આઇસ્‍ક્રીમનો આનંદ નખી લેકની પાસે માણી શકયા ન હતા. એટલું જ નહીં, આઇસક્રીમ સહિતના નાસ્‍તા કે જમવા માટે સહેલાણીઓ રીતસરના વલખાં મારતા નજરે પડ્‍યા હતા. હવે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી, પરંતુ તંત્રની ફરવાલાયક સ્‍થળ પર આ કામગીરીથી સહેલાણીઓનો હરવા-ફરવાનો મૂડ ખરાબ થઈ ગયો હતો અને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તેમ નવ ગુજરાત સમય જણાવે છે. 

 બુધવારે આબુમાં એક ઉચ્‍ચ અધિકારી આવ્‍યા હતા, પરંતુ તેઓ જ્‍યારે નખી લેક પાસેથી પસાર થઇ રહ્યા  હતા ત્‍યારે ટ્રાફિકને કારણે તેઓ ફસાઇ ગયા હતા. ત્‍યારબાદ આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી. જેમાં દુકાનો, હોટલ સહિતની જગ્‍યાની આગળ ગેરકાયદે બાંધકામને કારણે જ ટ્રાફિક જામ થયો હોવાનું સામે આવ્‍યું હતું. જેના કારણે ગુરુવારથી તંત્ર ત્રાટકયું હતું. બીજી તરફ વીકએન્‍ડના એક દિવસ પહેલા જ દુકાન - હોટલ બંધ થઇ જતા સંખ્‍યાબંધ લોકો હેરાન થઇ રહ્યા છે ત્‍યારે વીક એન્‍ડમાં શું હાલત થશે તે ચર્ચાનો વિષય બન્‍યો છે.

આબુમાં નખી લેકની આસપાસ વર્ષોથી દુકાનો, હોટલો આવેલી છે, જેમાં કેટલાક લોકોએ ગેરકાયદે વધારો કર્યો હતો. જેથી વર્ષ ૨૦૦૪માં આવા દબાણ તોડી પાડવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ અત્‍યાર સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ કેટલાક લોકોને ફાળવેલી જગ્‍યામાં ધીરેધીરે ફરી વધારો કરી દીધો હતો. હાલ નખી લેકની આસપાસની તમામ દુકાનો, હોટલો બંધ થઇ ગઇ છે. આ મામલે તંત્રએ યોગ્‍ય નિર્ણય લેવો જોઇએ. - ઇરફાનખાન પઠાણ, સ્‍થાનિક.

(9:52 AM IST)