<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

કોંગ્રેસ ઝારખંડમાં 'જન ગણ મન' યાત્રા કાઢશે: રાહુલ રાંચીમાં કરાવશે પ્રસ્થાન

કોંગ્રેસ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વિધાનસભા ક્ષેત્રોમાં તમામ નેતાઓ સાથે પ્રવાસ શરૂ કરશે

 

મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ ઝારખંડમાં યોજાનારી ચૂંટણી માટે કમર કસી રહી હોય તેવું લાગી રહ્યું છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ શકે છે. કોંગ્રેસ આ મહિને વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટીની યાત્રા શરૂ કરવા જઈ રહી છે.

  આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડના કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત કરી, ત્યારબાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, આમ કરીને રાજ્યમાં અમે ફરીથી INDIA ગઠબંધનની સરકાર બનાવીશું. તેમણે આગળ લખ્યું કે ઝારખંડના લોકોના જળ, જંગલો, જમીન અને આપણી આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અમારો સંકલ્પ છે.

  કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે. ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના માટે કોંગ્રેસ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વિધાનસભા ક્ષેત્રોમાં તમામ નેતાઓ સાથે પ્રવાસ શરૂ કરવા જઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ યાત્રાની શરૂઆત કરશે અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે તેના સમાપનમાં ભાગ લેશે. આ યાત્રાને “જન ગણ મન” અથવા “જનસંવાદ યાત્રા” નામ આપવામાં આવશે.

(1:06 PM IST)