તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
બાંગ્લાદેશમાં 'મંત્રી' બનેલા નાહિદ અને આસિફ કોણ છે? શેખ હસીનાને સત્તા પરથી ઉથલાવી દીધા હતા
બાંગ્લાદેશની વચગાળાની સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ મોહમ્મદ યુનુસ સૌથી વધુ 27 પોર્ટફોલિયો ધરાવે છે:મોહમ્મદ તૌહીદ હુસૈન વિદેશ મંત્રી:શેખ હસીનાની સત્તાને હચમચાવી દેનારા વિદ્યાર્થી નેતાઓ એમ નાહીદ ઈસ્લામ અને આસિફ મેહમૂદને મંત્રી બનાવાયા

ઢાકા. બાંગ્લાદેશની વચગાળાની સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ મોહમ્મદ યુનુસે મંત્રાલયોની વહેંચણી કરી છે. મોહમ્મદ યુનુસ સૌથી વધુ 27 પોર્ટફોલિયો ધરાવે છે. જેમાં સંરક્ષણ વિભાગનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ તૌહીદ હુસૈનને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. શેખ હસીનાની સત્તાને હચમચાવી દેનાર વિદ્યાર્થી નેતા એમ નાહીદ ઈસ્લામ અને આસિફ મેહમૂદને મંત્રી બનાવવામાં આવ્યા છે.
મોહમ્મદ યુનુસ પાસે સંરક્ષણ, જાહેર વહીવટ, શિક્ષણ, ઉર્જા, ખાદ્ય, જળ સંસાધન અને માહિતી મંત્રાલય સહિત 27 વિભાગોનો હવાલો હશે. પૂર્વ વિદેશ સચિવ હુસૈનને વિદેશ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. સેનાના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈનને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. બાંગ્લાદેશ બેંકના પૂર્વ ગવર્નર સલાહુદ્દીન અહેમદ નાણા અને આયોજન મંત્રાલય સંભાળશે. ભૂતપૂર્વ એટર્ની જનરલ એએફ હસન આરિફ સ્થાનિક સરકારના વડા રહેશે.
સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશનના બે કોઓર્ડિનેટર એમ નાહીદ ઈસ્લામ અને આસિફ મેહમૂદને વચગાળાના કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નાહિદ ઈસ્લામને ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને આસિફ મહેમૂદને યુવા અને રમત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
આ બે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં જુલાઈમાં અનામત વિરુદ્ધ મોટું આંદોલન થયું હતું. બાદમાં આ આંદોલન બળવામાં ફેરવાઈ ગયું. ભારે હિંસા વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને દેશ છોડવો પડ્યો હતો
નાહીદ ઇસ્લામ બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા છે. અનામત વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું. એટલું જ નહીં, નાહીદે મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે મનાવી લીધા હતા. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 1998માં જન્મેલા નાહિદ ઈસ્લામે ઢાકા યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. પરિણીત, નાહીદ એક બાળકનો પિતા પણ છે. તેના પિતા શિક્ષક અને માતા ગૃહિણી છે.
આસિફ મહમૂદને વિદ્યાર્થી આંદોલનના બીજા મોટા નેતા તરીકે ઓળખવામાં આવે છે. 26 વર્ષીય મહેમૂદ આ આંદોલનના સંયોજક પણ છે. ઢાકા યુનિવર્સિટીમાંથી ભાષાનો અભ્યાસ કર્યો છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
