News of Saturday, 10th August 2024
GSTમાં થાય છે દર બે દિવસે એક સુધારો
જુલાઇ ૨૦૧૭થી કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધી ૧૮૩૩ સુધારા કરવામાં આવ્યા : સરળીકરણી વાતો વચ્ચે થતા સુધારાના કારણે વેપારીઓમાં પણ અસમંજસની સ્થિતિ

મુંબઇ, તા.૧૦: જુલાઇ ૨૦૧૭માં જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ ૧૮૩૩ સુધારા કરવામાં આવ્યા છે. જેથી દર બે દિવસ એક સુધારો કરવામાં આવ્યો હોવાના લીધે વેપારીઓની સાથે સાથે સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ તેને સમજે તે પહેલા બીજો સુધારો આવી જતો હોય છે. તેના લીધે જીએસટી સરળીકરણ કરવાની વાતો વચ્ચે સમગ્ર કાયદો જ અટપટો બની ગયો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવે છે કે વેપારીઓને તકલીફ નહીં પડે તે માટે જ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં પણ જરૂર પડે તો સુધારા કરવા માટેની તેયારી બતાવવામાં આવી રહી છે.
જીએસટીમાં લાગુ કરવામાં આવેલા વિવિધ નિયમોમાં સુધારો કરવામાં આવે તે સારી જ બાબત કહેવાય, પરંતુ જે ઉદ્દેશ્થથી કાયદો લાવવામાં આવ્યો છે તેના બદલે અટપટો થઈ ગયો હોવાનુ વેપારીઓ જ કહી રહ્યા છે. કારણ કે હજુ પણ કેટલીક એવી બાબતોમાં બહાર પાડવામાં આવેલા સુધારામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી. તેના કારણે વેપારીઓ દ્વારા તેવા કિસ્સામાં ક્રેડિટ લે તો નોટિસ મળતી હોય છે. આવા કારણોસર વેપારીઓની સાથે સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ પણ ઇચ્છી રહ્યા છે કે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે તો વધુ સારી રીતે જીએસટીનો અમલ કરી શકાય તેમ છે.(૨૩.૮)
કાયદો એક પરંતુ સ્ટેટ અને સેન્ટ્રલમાં બેવડા ધોરણ
જીએસટીનો કાયદો એક હોવા છતા સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીમા તેનો અમલ કરવામાં અલગ અલગ નીતિ અપનાવવામાં આવતી હોય છે, તે માટેનો વિવાદ સમયાંતરે બહાર આવતો હોય છે. તેના લીધે વેપારીને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. તેમ છતાં બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓ વેપારીઓને પડતી તકલીફ દૂર કરવા માટેના પ્રયત્નો કરવાના બદલે પોતાની મનમાની પ્રમાણે જ કામગીરી કરતા હોય છે. તેના કારણે થોડા સમય પહેલા તો એસોસિએશન દ્વારા લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ છતા તેમાં સુધારો કરવાના બદલે હજુ પણ તે જ નીતિરીતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઊઠતી હોય છે.
ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગમાં ૨૪૮૨ સુધારા
જીએસટીના કાયદામાં સુધારો કરવા માટે અત્યાર સુધી ૧૮૩૩ સુધારા કરવામાં આવ્યા છે. જ્યારે ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગમાં પણ ૨૪૮૮ સુધારા કરવામાં આવ્યા છે. જોકે તેમાં જે તે કંપનીના કેસને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવતો હોય છે. તેના કારણે તેમાં જે નિર્ણય લેવામાં આવ્યો હોય તે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવતો નથી. પરંતુ તે કપની માટૅ જ લાગુ કરવામાં આવ્યો હોય છે. તેમ છતાં જો તે સુધારાની પણ ગણતરી કરવામાં આવે તો અત્યાર સુધીમાં જીએસટી સુધારાનો આંકડો ૪૩૧૪ પર પહોંચી જતો હોય છે. તેના લીધે જ વેપારીઓને કાયદો અટપટો લાગી રહ્યો છે. જ્યારે સરળીકરણની વાતો તો જોજનો દૂર હોવાનો અનુભવ થઇ રહ્યો છે.(૨૩.૮)
વર્ષ સુધારા
૨૦૧૭ ૨૬૨
૨૦૧૮ ૨૫૮
૨૦૧૯ ૨૩૩
૨૦૨૦ ૧૬૬
૨૦૨૧ ૧૪૬
૨૦૨૨ ૭૯
કુલ ૧૧૪૪
(નોંધ વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં ૬૮૯ સુધારા થયા છે)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
