<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

કુસ્‍તીમાં અમન સેહરાવતે જીત્‍યો બ્રોન્‍ઝઃ ભારતને છઠ્ઠો મેડલ

૫૭ કિગ્રા વજન વર્ગમાં અમન સેહરાવતે પ્‍યુર્ટો રિકોના ડેરીયન ટોઇ ક્રુઝને ૧૩-૫થી પછાડયોઃ દેશભરમાં ખુશીનો માહોલ

પેરિસ : ઓલિમ્‍પિક ૨૦૨૪માં ભારત માટે સારા સમાચાર છે. ભારતીય કુસ્‍તીબાજ અમન સેહરાવતે કુસ્‍તીમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો છે. તેણે ૫૭ કિગ્રા વજન વર્ગમાં પ્‍યુર્ટો રિકોના કુસ્‍તીબાજ ડેરિયન ટોઇ ક્રુઝને ૧૩-૫થી હરાવ્‍યો. આ ઓલિમ્‍પિકમાં ભારતનો આ પાંચમો બ્રોન્‍ઝ અને એકંદરે છઠ્ઠો મેડલ છે. તેની પ્રથમ ઓલિમ્‍પિકમાં જ અમને પુરુષોની ૫૭ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો.

આ મેચની શરૂઆતમાં ક્રુઝે અમનને મેટ પરથી હટાવીને પોઈન્‍ટ મેળવ્‍યો હતો. અમને પણ વળતો હુમલો કર્યો અને ટૂંક સમયમાં જ તેના પર પગના હુમલાથી બે પોઈન્‍ટ મેળવ્‍યા. પ્રથમ ગાળામાં પણ આ જ કઠિન સ્‍પર્ધા ચાલુ રહી અને ક્રુઝે ફરીથી ૩-૨ની લીડ લીધી પરંતુ અમને પુનરાગમન કર્યું અને ૨ પોઈન્‍ટ એકત્રિત કરીને ૪-૩ની લીડ મેળવી. પ્રથમ સેશનમાં ત્રણ મિનિટ આગળ રહ્યા બાદ અમને ટૂંક સમયમાં બીજા ગાળામાં પણ સ્‍કોર વધારીને ૬-૩ કરી દીધો હતો.

પ્રથમ વખત ઓલિમ્‍પિકમાં ભાગ લઈ રહેલા ૨૧ વર્ષના અમન માટે ડેબ્‍યૂ યાદગાર રહ્યો. તેણે શાનદાર શરૂઆત કરી અને પહેલા જ મુકાબલામાં મેસેડોનિયાના વ્‍લાદિમીર એગોરોવને ૧૦-૦થી હરાવ્‍યો. આ પછી તેની આ જ સિદ્ધિ ક્‍વાર્ટર ફાઇનલમાં પણ જોવા મળી હતી જ્‍યાં તેણે અલ્‍બેનિયાના ઝેલિમખાન અબાકારોવને ૧૨-૦થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે, અમનને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્‍યો હતો કારણ કે તેનો સામનો વિશ્વના નંબર-૧ જાપાનના રેઇ હિગુચી સામે હતો. હિગુચીએ અમાનને ૧૦-૦થી હરાવીને ફાઇનલમાં પહોંચવાની આશાનો અંત લાવ્‍યો હતો.

(2:52 PM IST)