News of Sunday, 11th August 2024
હિંડનબર્ગના આરોપો પાયાવિહોણા, અમારે સેબી ચીફ સાથે કોઇ વ્યવસાયિક સંબંધો નથીઃ અદાણી જુથ
તમામ આરોપો ફગાવી દેતા અદાણી જુથે કહ્યું તેના વિદેશી હોલ્ડીંગનું માળખુ સંપૂર્ણપણે પારદર્શક છે

નવી દિલ્હીઃ હિડનબર્ગે મુકેલા આરોપો અદાણી જૂથે સ્પષ્ટ કર્યું છે કે, તેમના જૂથને સેબી ચીફ સાથે કોઈ જ વ્યવસાયિક સંબંધો નથી. હિંડનબર્ગ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
હિન્ડેનબર્ગે ગઈકાલ શનિવારે મોડી રાત્રે બહાર પાડેલા તેના નવા અહેવાલમાં જાહેર કર્યું હતું કે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો, અદાણી જૂથના વિદેશી ભંડોળમાં હિસ્સો છે, જેનો ઉપયોગ અદાણી જૂથમાં ભંડોળના કથિત દુરુપયોગ માટે કરવામાં આવ્યો હતો.
દરમિયાન, કોંગ્રેસે અદાણી ગ્રૂપ રેગ્યુલેટરી તપાસમાં તમામ હિતોના સંઘર્ષોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની કેન્દ્ર સમક્ષ માંગ કરી છે. વિપક્ષી પાર્ટીએ દેશના ટોચના અધિકારીઓની કથિત સાંઠગાંઠ શોધવા અને કૌભાંડની સંપૂર્ણ તપાસ કરવા માટે જેપીસીની સ્થાપના કરવાની પણ માંગ કરી છે.
હિંડનબર્ગના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા અદાણી જૂથે જણાવ્યું હતું કે, અહેવાલમાં ઉલ્લેખિત લોકો કે કેસ સાથે અદાણી જૂથનું કોઈ વ્યાવસાયિક જોડાણ નથી. તમામ આરોપોને ફગાવી દેતા, અદાણી જૂથે કહ્યું કે, તે તેની કંપનીઓ પર લાગેલા આરોપોને નકારી કાઢે છે અને પુનરોચ્ચાર કરે છે કે તેના વિદેશી હોલ્ડિંગનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે. હિંડનબર્ગના રિપોર્ટમાં એવી વિગતો જાહેર કરવામાં આવી છે કે, અદાણી જૂથે કંપનીઓના જાળા બનાવીને ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યું હતું.
તો બીજી તરફ સેબીના વડા માધવી બૂચ અને તેમના પતિ ઘવલ બૂચે સંયુક્ત રીતે એક નિવેદન જાહેર કરીને હિંડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા છે. હિંડનબર્ગ તમામ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. આમાં બિલકુલ સત્ય નથી. અમારુ જીવન અને આર્થિક પરિસ્થિતિ ખુલ્લી કિતાબ જેવી છે. તમામ જરૂરી જાહેરાતો સેબીને પહેલાથી જ આપવામાં આવી છે. અમને કોઈપણ નાણાકીય દસ્તાવેજો જાહેર કરવામાં કોઈ ખચકાટ નથી.
બૂચે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંડનબર્ગ રિસર્ચના જવાબમાં, જેની સામે સેબીએ અમલીકરણની કાર્યવાહી કરી છે અને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે, અમને ઘેરવાનો અને ચારિત્ર્યની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, સંપૂર્ણ પારદર્શિતાને ધ્યાનમાં રાખીને, સમયસર વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવશે.
હિન્ડેનબર્ગે જણાવ્યું હતું કે જો સેબી ખરેખર વિદેશી ફંડ ધારકોને શોધવા માંગતી હોય, તો કદાચ સેબીના અધ્યક્ષ પોતાને અરીસામાં જોઈને શરૂઆત કરી શક્યા હોત. તેમાં કહેવામાં આવ્યું છે કે અમને તે આશ્ચર્યજનક નથી લાગતું કે સેબી તેના પોતાના ચીફ પાસે ગયેલા મામલાને આગળ વધારવા માંગતી નથી. હિન્ડેનબર્ગે જણાવ્યું હતું કે વર્તમાન સેબી અધ્યક્ષ અને તેમના પતિ ધવલ બુચે એ જ અસ્પષ્ટ ઑફશોર બર્મુડા અને મોરિશિયસ ફંડ્સમાં તેમનો હિસ્સો છુપાવ્યો હતો. જે વિનોદ અદાણી દ્વારા ઉપયોગમાં લેવાતા સમાન જટિલ માળખામાં હોવાનું જણાયું હતું.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
