<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

LIC શેરબજારમાં 1.30 લાખ કરોડનું રોકાણ કરશે: તેજીમાં કંપનીએ 15 હજાર કરોડથી વધુ નફો કર્યો

કંપનીની સંચાલન હેઠળની સંપત્તિ (AUM)નું પ્રમાણ 46,11,067 કરોડથી 16.22 ટકા વધીને રૂપિયા 53,58,781 કરોડ થઈ

નવી દિલ્હી :લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના MD અને CEO સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું છે કે કોર્પોરેશન વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન શેરબજારોમાં આશરે રૂપિયા 1.30 લાખ કરોડનું નવેસરથી રોકાણો કરવા માટેની શક્યતા જોઈ રહ્યું છે.

નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-જૂન દરમિયાન ઈન્સ્યોરન્સ સેક્ટરની આ દિગ્ગજ કંપની આશરે રૂપિયા 38,000 કરોડનું રોકાણ કરી ચુકી છે, જે ગયા વર્ષે સમાન અવધિ દરમિયાન રૂપિયા 23,300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે LICએ પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન શેરબજારમાં તેના રોકાણમાંથી રૂપિયા 15,500 કરોડનો નફો કર્યો હતો. ત્રિમાસિક ધોરણે તેના રોકાણમાંથી નફો 13.5 ટકા જેટલો ઊંચો રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે અમે બજારો તથા કિંમતની વધઘટને વધુ ઝીણવટપૂર્વક જોઈ રહ્યા છીએ અને જ્યા પણ યોગ્ય રોકાણની તક હોય ત્યાં સારા એવા પ્રમાણમાં રોકાણ કરવા વિચારી રહ્યા છીએ. નાણાકીય વર્ષ 2024માં LICએ આશરે રૂપિયા 1.32 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જૂન મહિનામાં પૂરા થયેલા ગાળામાં વિવિધ કંપનીઓના શેરોમાં LICનું રોકાણ આશરે રૂપિયા 15 લાખ કરોડ થયું છે.

30મી જૂન,2024ના અંત ભાગ સુધીમાં LIC રોકાણ મારફતે 282 કંપનીઓમાં પોતાનું એક્સપોઝર ધરાવતી હતી. કંપનીની સંચાલન હેઠળની સંપત્તિ (AUM)નું પ્રમાણ રૂપિયા 46,11,067 કરોડથી 16.22 ટકા વધીને રૂપિયા 53,58,781 કરોડ થઈ છે.

(6:51 PM IST)