<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

ચીને ઓલિમ્પિકમાં જીત્યો 300મો ગોલ્ડ મેડલ : આવું કરનાર ત્રીજો દેશ: જાણો ભારત ક્યાં છે !

ટેબલ ટેનિસની મહિલા ટીમ ઈવેન્ટનો ખિતાબ જીતી ઓલિમ્પિક ઈતિહાસમાં સ્થાન હાંસલ કર્યું

ચીને ઓલિમ્પિક ઈતિહાસમાં તેનો 300મો ગોલ્ડ મેડલ જીત્યો છે. ચીન આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો દેશ છે. ચીને શનિવારે પેરિસ ઓલિમ્પિકમાં આ સિદ્ધિ મેળવી હતી. ટેબલ ટેનિસની મહિલા ટીમ ઈવેન્ટનો ખિતાબ જીતીને, તેણે ઓલિમ્પિક ઈતિહાસમાં એવું સ્થાન હાંસલ કર્યું જે તે પહેલા માત્ર બે દેશો પાસે હતું.

   ચીને મહિલા ટીમ ઈવેન્ટની ફાઇનલમાં જાપાનને 3-0થી હરાવીને સતત પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે મેન્સ ટીમ ઈવેન્ટમાં પણ આ મેડલ જીત્યો છે. વિશ્વના નંબર વન ખેલાડી ચીનના સુન યિંગશાએ કહ્યું, 'અમારામાંથી દરેકે પોતાનું સર્વસ્વ આપ્યું અને દરેકે સારું પ્રદર્શન કર્યું.'

  દક્ષિણ કોરિયાએ જર્મની સામે 3-0થી જીત મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બેઈજિંગ ઓલિમ્પિક 2008 બાદ ટીમ ઈવેન્ટમાં કોરિયાનો આ પહેલો મેડલ છે. ટેબલ ટેનિસમાં ચીન સુપર પાવર છે. તેણે પેરિસમાં તમામ પાંચ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1988માં ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારપછી ચીને આ રમતમાં 42 માંથી 37 ગોલ્ડ મેડલ જીત્યા છે. 

   ઓલિમ્પિક ગેમ્સ 1896 થી રમાય છે. અમેરિકાએ તેના 128 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે 1100થી વધુ ગોલ્ડ જીત્યા છે. સૌથી વધુ ઓલિમ્પિક ગોલ્ડ જીતવાના મામલે રશિયા (385) બીજા સ્થાને છે. ચીન ત્રીજા સ્થાને અને બ્રિટન ચોથા સ્થાને છે. તેણે ઓલિમ્પિકમાં 299 ગોલ્ડ મેડલ જીત્યા છે. ફ્રાન્સે 239 ગોલ્ડ જીત્યા છે અને તે પાંચમા સ્થાને છે. ભારતે ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ મેડલ સહિત કુલ 41 મેડલ જીત્યા છે.

(10:41 PM IST)