News of Monday, 12th August 2024
લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનું વડતાલધામ ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન
આગામી તા. ૧ થી ૧૫ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન : દેવોની સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે : પ.પૂ. સદ્ગુરૂ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી અકિલાના આંગણે :૨૫ લાખ લોકો મહોત્સવ દરમિયાનભાગ લેશે : દરરોજ ૪ થી ૫ લાખ લોકો મહાપ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા : ૮૦૦ વિઘામાં અદકેરૂ આયોજન : ટેન્ટ સીટી ઉભુ કરાશે

આગામી તા. ૭ થી ૧૫ નવેમ્બર ૨૦૨૪ માં વડતાલધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થવાનું છે ત્યારે સંતોએ અકિલા કાર્યાલય ખાતે પધરામણી કરી વિગતો આપી હતી. તસવીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એડીટર અજીતભાઇ ગણાત્રા અને અકિલાના એકઝીક્યુટીવ એડીટર અને વેબઆવૃત્તિના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે સદ્ગુરૂ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી સહિત ઉપસ્થિત રહેલ સત્સંગીઓ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ, તા.૧૦: શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામમાં આરાધ્ય દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણદેવનાં સાનિધ્યમાં પરમ પૂજય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આગામી તા.૭ નવેમ્બર ૨૦૨૪ થી ૧૫ નવેમ્બર ૨૦૨૪ એટલે કે કારતક સુદ સાતમથી કારતક સુદ પુનમ સુધી વડતાલધામને આંગણે દેવોની સ્થાપનાને સંવત ૨૦૮૧માં ૨૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય ‘શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ'નું ભવ્યાથી ભવ્ય આયોજન કરાયુ છે ત્યારે સર્વજીવ હિતાવક સ્વામીનારાયણ ગુરૂકૂળ કણભા, તા.દસકોઇ (અમદાવાદ)નાં મેનેજીંગ ટ્રસ્ટી પ.પૂ. સદગુરૂ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભુષણદાસજી સ્વામી (ગુરૂ પ.પૂ.સદગુરૂ ધ્યાની સ્વામી હરિસ્વરૂદાસજી સ્વામી) ‘અકિલા'નાં આંગણે પધાર્યા હતા અને મહોત્સવની વિગતો આપી હતી.
આ ભવ્ય મહોત્સવમાં અંદાજે ૨૫ લાખ જેટલા મુમુક્ષુઓ ભાગ લેશે. આ આયોજન ૯ દિવસનું છે જેમાં દરરોજ અલગ-અલગ પ્રસાદનું આયોજન કરાયુ છે. જેમાં અંદાજે રોજના ૪ થી ૫ લાખ લોકો મહાપ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર મહોત્સવ વડતાલ ગામની આજુબાજુનાં વિસ્તારની ૮૦૦ વિઘા જમીનમાં કરવામાં આવ્યુ છે આ ઉપરાંત અહિ ટેન્ટ સીટી પણ ઉભુ કરવામાં આવશે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારને વૈભવી ટેન્ટમાં ૬ બેડ ઉપરાંત પાર્કિગ સગવડતા સાથે અદભૂત આયોજન કરવામાં આવ્યુ છે.
સ્વામીજીએ વધુમાં જણાવ્યુ હતું કે, વડતાલધામ હેઠળ લગભગ ૫૦થી વધુ શિખરબંધ મંદિરો અને ૧૦૦૦થી વધુ હરિમંદિરો આવેલા છે. આ ૨૦૦ વર્ષથી સંત પરંપરા ચાલી આવે છે. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્પૂર્ણાનંદ સ્વામી વગેરે ૨૫૦૦ જેટલા સંતો ગામડે ગામડે વિચરણ કરતા. આ સંતોએ લખેલી સાહિત્ય પરંપરાઓ આજે ગવાય છે.
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ દેવોની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય આ મહોત્સવ પુર્વે થનાર આયોજનોમાં ૨૦૦ બ્રાહ્મણ બાળકોને સમૂહ યજ્ઞોપવિત, ૨૦૦ સમૂહ લગ્ન, ૨૦૦ વિધવા-વ્યકતા બહેનોને સીલાઇ મશીન વિતરણ, ૨૦૦ દિવ્યાંગોને ટ્રાઇસિકલ વિતરણ, ૨૦૦ વ્હીલ ચેર વિતરણ, ૨૦૦ વોકર વિતરણ, ઉપરાંત અખંડ ધૂન, બાલ સેવા પ્રવૃતિઓ, શાકોત્સવ, પારાયણ (વ્યાખ્યાનમાળા), ૨૦૦ સંતોએ બે લાખ ઘર સુધી પધરામણી, સ્વચ્છતા અભિયાન, ૨૦૦ તિર્થોનું જળ લાવી અભિષેક, ૫૦૦ દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ વિતરણ, ૨૦૦૦ વોકિંગ સ્ટીક વિતરણ, ૪૫૦૦ તુલસીનાં છોડ, ૨૩૦૦૦ આંગણવાડીનાં બાળકોને જેકેટ વિતરણ, સાયકલ યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, યુવા મંચ, મહિલા મંચ, વિવિધ પ્રકારના સેમીનાર સહિત અનેકવિધ પ્રસંગોનું અદકેરૂ આયોજન કરાયું છે.
આ ઉત્સવ સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે લોકોનું ઉત્થાન થાય તેવા બધા જ કાર્યક્રમો આ ઉત્સવમાં યોજાશે. વિવિધ ધર્મચારીઓ, રાજકારણીઓ, મંત્રીશ્રીઓ, નેતાઓ અને બૌધિકવર્ગને આમંત્રિત કરાશે. સંતો - મહંતોનાં સન્માન થશે. અમિતભાઇ શાહને આમંત્રણ અપાયુ છે જે હર વખતે આવે છે - આ વખતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે.
શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત કથાપારાયણ, સમૂહ મહાપૂજા, અન્નકોટ, સંત દિક્ષા, સુવર્ણતુાલ, પ્રદર્શન, વિવિધ મેડિકલ કેમ્પો, પોથીયાત્રા, શોભાયાત્રા, કળશયાત્રા, ૨૦૦ ફૂટ ઉંચા રાષ્ટ્રધવજ, ૨૦૦ કુંડી યજ્ઞ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ગૌ-પ્રદર્શન, જળયાત્રા, સમૂહ આરતી સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થવાનું છે. આ મહોત્સવ અવિસ્મરણીય બની રહેશે.
‘અકિલા' ખાતે સર્વજીવ હિતાવહ સ્વામીનારાયણ ગુરૂકુળ કણભા, તા.દસકોઇ (અમદાવાદ)નાં મેનેજીંગ ટ્રસ્ટી પ.પૂ. સદગુરૂ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી ગુરૂ ધ્યાની, સ્વામી શ્રી હરિ સ્વરૂપદાસજી સાથે પ.પૂ. સદબોધકદાસજી સ્વામી, રાજુભાઇ ભટ્ટ (પ્રમુખ- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ - ભુજ), જુગલભાઇ પાટડિયા, મધુભાઇ સોની, મિતેષભાઇ ધોળકિયા, રાજુભાઇ રાણપરા, નરેન્દ્રભાઇ પાટડિયા, કલ્પેશભાઇ પાટડિયા- ડો.રવિ પાટડિયા, સંજયભાઇ રાણપરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
સંતો સનાતન ધર્મ વિશે હવે બોલતા નથી : આવકાર્ય
છે : શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી
હાલ દેશભરમાં સનાતન ધર્મ વિશે સ્વામીનારાયણ સંતો પોતાના મંતવ્યો આપે છે, રજુ કરે છે તે અંગે શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સંતો એ સનાતન ધર્મ વિશે ન બોલવું જોઇએ. છેલ્લા કેટલાક સમયથી સંતો આ બાબતે બોલતા નથી તે આવકાર્ય છે. સ્વામીનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનું એક મહત્વનું અંગ છે. આજે દુનિયાના કોઇપણ ખૂણે સ્વામીનારાયણ ભગવાનનું નામ ગુંજતુ હશે. વિશ્વભરમાં અલગ-અલગ જગ્યાએ સ્વામીનારાયણ ભગવાનના મંદિરો છે. સ્વામીનારાયણ ભગવાન સર્વધર્મ સમન્વય વાળા છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ હવે સનાતન ધર્મ વિશે કોઇ બોલતું નથી, સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતનનો જ ભાગ લે.
મહોત્સવ દરમિયાન
થનાર વિશેષ આયોજન
* કથાપારાયણ
* સમૂહ મહાપૂજા
* રાજોપચાર પૂજન
* અભિષેક (૨૦૦ તીર્થોના જળથી)
* અન્નકોટ
* સંત-દીક્ષા
* અક્ષરભુવન નિમિતે સુવર્ણ તુલા
* વ્યાખ્યાન માળા - પ્રવચનમાળા
* ચર્તુવેદ પારાયણ
* સંત સંમેલન
* સાંસ્કૃતીક કાર્યક્રમો
* અખંડ ધૂન
* અખંડ : મંત્રલેખન / સંકિર્તન
* ગ્રંથ પ્રકાશન
* પ્રદર્શન
* ગૌ-પ્રદર્શન
* બ્રહ્મભોજન
* ગોમતીજીમાં અભિષેક-આરતી
* વડતાલધામથી અક્ષરધામ વિડીયો-શો
* વિવિધ મેડીકલ કેમ્પો
* વડિલ સદ્ગુરૂ સંતોનું સન્માન
* સમર્પિત હરિભક્તોનું સન્માન
* પોથીયાત્રા / શોભાયાત્રા / કળશયાત્રા
* ૨૦૦ કુંડીયજ્ઞ
* ૨૦૦ ફૂટની વિજય ધ્વજારોહણ
* ૨૦૦ ફુટ ઉંચાઇ રાષ્ટ્રધ્વજ
* ૨૦૦ સંતો દ્વારા રાસોત્સવ
* લાઇટ ડેકોરેશન
* અક્ષરભુવનનો ૩ડી વિડીયો
* આનંદ મેળો / બાળનગરી
* ધર્મકુળ પૂજન
* બ્લડ ડોનેશન કેમ્પ
* સંહિતાપાઠ
- * જળયાત્રા
- સમૂહ મહાઆરતી
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
