<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

દિલ્‍હી-એનસીઆરમાં આજે ફરી વરસાદનું જોર રહેશેઃ ૧પ રાજયોમાં પણ હળવાથી મધ્‍યમ વરસાદની શકયતા

પહાડોથી લઇને મેદાની વિસ્‍તારોમાં મેઘરાજા વરસશેઃ યુપીમાં ૧૭મી સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના

નવી દિલ્‍હી તા. ૧રઃ રાજધાની દિલ્‍હીમાં ગઇકાલે જોરદાર વરસાદ પડયો હતો. જેથી અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વાહન વ્‍યવહાર બાધીત બન્‍યો હતો. આજે પણ હવામાન ખાતા દ્વારા દિલ્‍હી-એનસીઆરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતા મુજબ દિલ્‍હી સહિત આવતા ર૪ કલાક દરમિયાન જમ્‍મુ-કાશ્‍મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્‍થાન, યુપી, મધ્‍ય પ્રદેશના કેટલાક ભાગો, ઉપ હિમાલયી પ. બંગાળ પૂર્વોત્તર ભારત, કેરળ, તામિલનાડુ અને દક્ષીણ આંતરીક કર્ણાટકમાં હળવાથી મધ્‍યમ વરસાદની સાથે અમુક જગ્‍યાએ ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ગંગાતટીય પ. બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડીશા, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, રાયલસીમા, દક્ષણી આંતરીક કર્ણાટક, ગોવા, તટીય કર્ણાટક, તટીય મહારાષ્‍ટ્ર, પૂર્વ ગુજરાત તથા અંદામાન-નિકોબારમાં પણ હળવાથી મધ્‍યમ વરસાદની શકયતા છે.

યુપીમાં ચોમાસુ જામ્‍યું છે. રાજયના મોટા ભાગના જીલ્લાઓમાં સતત વરસાદ ચાલુ છે. હવામાન ખાતા મુજબ ૧૭મી સુધી રાજયના મોટા ભાગના જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. અમુક વિસ્‍તારોમાં ભારે વરસાદ પણ ખાબકવાની સંભાવના દર્શાવવામાં આવી છે

(2:53 PM IST)