<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પદ માટે દલીત, ઓબીસી અથવા મહિલા નેતા ઉપર ફોકસ

રક્ષામંત્રીના નિવાસસ્‍થાને મળેલ પાર્ટી અને સંઘની બેઠક ૫ કલાક ચાલી : મહારાષ્‍ટ્રમાં થયેલ નુકસાનને ભરપાઇ કરવા તથા દક્ષીણમાં પગ જમાવવા નવા નામની જાહેરાત થાય તો પણ નવાઇ નહીં

નવી દિલ્‍હી તા.૧૩ : ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્‍યક્ષને લઈને ભાજપમાં આંતરિક બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ભાજપ હાઈકમાન્‍ડ અને સંઘના નેતાઓ વચ્‍ચે નવા અધ્‍યક્ષને લઈને ચર્ચા ચાલી રહી છે. જોકે, હજુ સુધી નામ ફાઈનલ થઈ શક્‍યું નથી.ᅠᅠ

હાલમાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસસ્‍થાને આ મામલે એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ ૫ કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મહાસચિવ બીએલ સંતોષ, RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે અને સંયુક્‍ત સરકાર્યવાહ અરૂણ કુમારે ભાગ લીધો હતો. આવી સ્‍થિતિમાં ભાજપ પણ અધ્‍યક્ષને લઈને સંઘને પૂરૂ મહત્‍વ આપી રહ્યું છે. તાજેતરમાં ચૂંટણી બાદ જ સંઘ અને ભાજપ વચ્‍ચેના ઊંડા મતભેદો સામે આવ્‍યા હતા.

ભાજપ અને સંઘના પદાધિકારીઓ કોઈ જમીની સ્‍તરના નેતાની શોધમાં છે, જેઓ પાર્ટીની કમાન સંભાળી શકે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહી શકાય તેમ નથી. રિપોર્ટ મુજબ, અટકળો ચાલી રહી છે કે નવા અધ્‍યક્ષ દલિત, ઓબીસી અથવા મહિલા હોઈ શકે છે. ભાજપનું ફોકસ ત્રણેય વર્ગો પર છે. પાર્ટી કોઈપણ કિંમતે દલિત અને ઓબીસી વર્ગને પોતાની સાથે રાખવા માંગે છે.

આ દરમિયાન દેવેન્‍દ્ર ફડણવીસ, અલકા ગુર્જર, અનુરાગ ઠાકુર, સુનીલ બંસલ જેવા નેતાઓના નામ પણ ચર્ચામાં છે. જોકે, ફડણવીસે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. પાર્ટી નેતૃત્‍વ મહારાષ્ટ્રમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને દક્ષિણમાં પોતાનો પગ જમાવવાના પ્રયાસોને કારણે આ વખતે દક્ષિણ ભારતના કોઈ નેતાને પાર્ટી અધ્‍યક્ષ બનાવી શકે છે.

(3:51 PM IST)