<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

આવતા અઠવાડીયે જાહેર થઈ શકે છે જમ્‍મુ કાશ્‍મીર ચૂંટણીની તારીખો

ચૂંટણી પંચે તૈયારી કરી લીધી :વર્ષ ૨૦૧૪માં જમ્‍મુ કાશ્‍મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીનું આયોજન પાંચ તબક્કામાં થયું હતું

શ્રીનગર,તા. ૧૪: જમ્‍મુ કાશ્‍મીર વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. ચૂંટણી પંચ આગામી અઠવાડીયે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ જમ્‍મુ કાશ્‍મીરમાં ૫ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી પંચ આ અઠવાડીયાના અંત સુધીમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય સાથે એક બેઠક કરશે. તેમાં સુરક્ષા પર સમીક્ષા કરવામાં આવશે. પછી ચૂંટણી પંચ તરફથી જમ્‍મુ કાશ્‍મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ચૂંટણી પંચના પ્રમુખ રાજીવ કુમારના નેતૃત્‍વમાં આખું પંચ ૮થી ૧૦ ઓગસ્‍ટ સુધી ચૂંટણીની તૈયારીને લઈને શ્રીનગર અને જમ્‍મુની મુલાકાત લઈ ચુક્‍યા છે. વર્ષ ૨૦૧૪માં જમ્‍મુ કાશ્‍મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીનું આયોજન પાંચ તબક્કામાં થયું હતું.

ચૂંટણી પંચના જણાવ્‍યા અનુસાર, ઉત્તરી કાશ્‍મીરના જિલ્લામાં ખૂબ જ પડકારો છે. અહીં કેટલાય વિસ્‍તારો સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે. ઉત્તરી કાશ્‍મીરમાં અનંતનાગ, બારામુલા, બુડગામ, બાંદીપોર, ગાંદરબલ, કુપવાડા, પુલવામા, શોપિયાં અને શ્રીનગર જિલ્લો સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. જયારે જમ્‍મુ સંભાગમાં કઠુઆ, સાંબા, રિયાસી, જમ્‍મુ, ઉધમપુર જેવા જિલ્લા સંવેદનશીલ માનવામાં આવે છે.

(10:31 AM IST)