News of Friday, 16th August 2024
કલકત્તા રેપ-મર્ડર કેસના આરોપીએ પ્રેગ્નન્ટ પત્ની પર પણ ગુજાર્યો હતો અત્યાચાર
તેની સાસુએ બે વાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કાર્યવાહી નહોતી કરી, તેમનું કહેવું છે કે જો ત્યારે એક્શન લેવાઈ હોત તો આ ઘટના ન બની હોત : આરોપીના ઘૃણાસ્પદ ચારિત્ર્યની દરરોજ બહાર આવી રહી છે નવી-નવી વાતો

કોલકત્તા તા. ૧૬ : આખા દેશને હચમચાવી નાખનારા કલકત્તાની ડોક્ટર પર રેપ-મર્ડરના આરોપી સંજોય રોયના ઘૃણાસ્પદ ચારિયની રોજ નવી-નવી વાતો બહાર આવતી જાય છે. હવે તેની સાસુ દુર્ગાદેવીએ આરોપ કર્યો છે કે સંજોયે ગયા વર્ષે તેની ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ વાઇફ પર પણ અત્યાચાર ગુજાર્યો હતો. તેમણે આની ફરિયાદ પોલીસને કરી હતી, પણ કોઈ એક્શન લેવાઈ નહોતી. દુર્ગાદેવીનું કહેવું છે કે જો પોલીસે તેમની ફરિયાદ પર ધ્યાન આપીને કાર્યવાહી કરી હોત તો આજે કદાચ આ ડોક્ટર સાથે આવી ઘટના ન બની હોત.
આરોપીની સાસુએ કહ્યું હતું કે ‘મેં ગયા વર્ષે મે મહિનામાં અને ૨૦૨૨ના ઓગસ્ટ મહિનામાં સંજોય વિરૂદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી, પણ પોલીસવાળા સાથેની તેની ઊઠ-બેસને લીધે આ બન્ને કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. જો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હોત કે પછી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોત તો આ ઘટના ન બની હોત'
દુર્ગાદેવીએ વધુમાં કહ્યું કે ‘ગયા વર્ષે તેણે મારી દીકરી પ્રેગ્નન્ટ હોવા છતાં તેને માર માર્યો હતો અને એને લીધે તેણે બાળક ગુમાવવું પડ્યું હતું. સંજોયે પોતે કલકત્તા પોલીસ સાથે કામ કરે છે એવું કહીને તેણે મારી દીકરી સાથે લગ્ન કર્યાં હતા.'
આ ઘટનાના અમુક મહિના બાદ સંજોયની પત્નીનું કેન્સરને લીધે અવસાન થયું હતું. આ તેની ચોથી પત્ની હતી. આરોપી સંજોય રોય પર લોકોના પૈસા પડાવવાનો પણ આરોપ છે. તેના પાડોશીઓનું કહેવું છે કે કોન્સ્ટેબલની નોકરી અપાવવા માટે તે લોકો પાસેથી બે લાખ રૂપિયા પડાવતો હતો.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
