News of Friday, 16th August 2024
સિવિલ કોડ સમયની માંગ : વન નેશન, વન ઇલેકશન જરૂરી
વડાપ્રધાન મોદીએ ૭૮માં સ્વતંત્ર પર્વ નિમિત્તે લાલ કિલ્લા પરથી ૯૮ મિનિટનું આપ્યું પ્રવચન : રાજનીતિમાં પરિવારવાદથી લઇને ભ્રષ્ટાચાર સુધીના મુદ્દાઓ ગજવ્યા : ૫ વર્ષમાં વધુ ૭૫૦૦૦ મેડીકલ બેઠકો : મહિલાઓ સામે અત્યાચારને સાંખી નહિ લેવાય : ૨૦૪૭ વિકસિત ભારતનું ધ્યેય : પાડોસી દેશો સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ : ૧ લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા આગ્રહ

નવી દિલ્હી તા. ૧૬ : સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર સતત ૧૧મી વખત ધ્વજ ફરકાવ્યો. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન UCCને લઈને મોટો સંકેત આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સાંપ્રદાયિક નહીં પણ ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા વર્તમાન સમયની માંગ છે. દેશનો કોઈ કાયદો ધર્મ પર આધારિત ન હોવો જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે દેશની આઝાદીને ૭૫ વર્ષ થઈ ગયા છે, તેથી દેશમાં કોમ્યુનલ સિવિલ કોડ લાગુ ન થવો જોઈએ. ભારતના ૧૪૦ કરોડ લોકોની ફરજ છે કે તેઓ નાગરિક તરીકે તેમની ફરજો નિભાવે અને હું આ અંગે ચર્ચા ઈચ્છું છું. આપણને ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા જોઈએ છે. તે જાણીતું છે કે યુનિફોર્મ સિવિલ કોડ સરકારનો એક મોટો એજન્ડા છે. યુસીસી હંમેશા ભાજપના મેનિફેસ્ટોનો એક ભાગ રહ્યો છે.
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. જાતિ અને ધર્મના આધારે જુદા જુદા કાયદા અને લગ્ન કાયદા છે. આ અલગ-અલગ કાયદાઓ અને લગ્નના કાયદાઓને કારણે સામાજિક માળખું બગડી ગયું છે. આ કારણોસર, દેશમાં લાંબા સમયથી સમાન નાગરિક સંહિતાની માંગ કરવામાં આવી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ તમામ જાતિઓ, ધર્મો, વર્ગો અને સંપ્રદાયોને એક સિસ્ટમમાં લાવવાનો પ્રસ્તાવ છે.
યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સાથે, હિંદુ મેરેજ એક્ટ (૧૯૫૫), હિંદુ ઉત્તરાધિકાર ધારો (૧૯૫૬) અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ (૧૯૩૭) જેવા ધાર્મિક-આધારિત વ્યક્તિગત કાયદાઓ તકનીકી રીતે વિસર્જન કરવામાં આવશે.
૭૮માં સ્વતંત્રતા દિવસ નિમિતે દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસ માટે ૭૫ હજાર નવી સીટો ઉમેરાશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં સરકારે બેઠકોની સંખ્યા એક લાખ કરી છે.
સ્વતંત્રતા દિવસ નિમિતે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતની સાથે આપણે એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસ માટે ૭૫ હજાર નવી બેઠકો બનાવવામાં આવશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે પણ મોટાભાગે મધ્યમ વર્ગના બાળકો મેડિકલ શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યા છે. તેઓ વિદેશમાં તબીબી શિક્ષણ પર ‘લાખો અને કરોડો' ખર્ચે છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘અમે છેલ્લા ૧૦ વર્ષમાં મેડિકલ સીટોની સંખ્યા વધારીને અંદાજે એક લાખ કરી છે. દર વર્ષે ૨૫ હજાર યુવાનો મેડિકલ અભ્યાસ માટે વિદેશ જાય છે. તેઓ એવા દેશોમાં જાય છે જેના નામ સાંભળીને મને આヘર્ય થાય છે.'
તેમણે જાહેરાત કરી હતી કે, ‘અમે નક્કી કર્યું છે કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ લાઇનમાં ૭૫ હજાર નવી બેઠકો બનાવવામાં આવશે. અમે વિકસિત ભારતની પ્રથમ પેઢીને ધ્યાનમાં રાખીને પોષણ અભિયાન શરૂ કર્યું છે. અમે ભારતમાં એવી શિક્ષણ પ્રણાલી બનાવવા માંગીએ છીએ કે યુવાનોને ભણવા માટે વિદેશ જવાની જરૂર ન પડે. અમે ઈચ્છીએ છીએ કે વિદેશી વિદ્યાર્થીઓ અહીં આવીને અભ્યાસ કરે.'
સરકારના ડેટા મુજબ છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં ૮૨ ટકાનો વધારો થયો છે, ૨૦૧૪ પહેલા દેશમાં મેડીકલ કોલેજની સંખ્યા ૩૮૭ હતી જે ૨૦૨૩માં ૭૦૪ થઈ ગઈ છે.
વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હું બાંગ્લાદેશ અંગે લોકોની ચિંતા સમજું છું. પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. આશા છે કે ત્યાંના હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિヘતિ થવી જોઈએ. ભારત હંમેશા ઈચ્છે છે, કે પડોશી દેશ શાંતિના માર્ગે ચાલે. અમે આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રામાં મહત્વની ભૂમિકા ભજવવાના છીએ. અમે માનવ સુખાકારી વિશે વિચારનારા લોકો છીએ.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ચિંતાની બાબતો પણ સામે આવે છે, હું મારૂં દુઃખ વ્યક્ત કરવા માંગુ છું કે એક સમાજ તરીકે આપણે ગંભીરતાથી વિચારવું પડશે. હું સમજી શકું છું કે દીકરીઓ પ્રત્યે જે ભાવનાઓ બની રહી છે. સમાજ, દેશ, રાજય સરકારોએ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.. મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ. આવા ગુના કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ, આ જરૂરી છે. હું એ પણ કહેવા માંગુ છું કે જયારે બળાત્કારની ઘટના બને છે,તે મીડિયામાં પ્રકાશિત થાય છે. પરંતુ જયારે સજા આપવામાં આવે છે,તેની ચર્ચા થતી નથી. તેની ચર્ચા થવી જોઈએ, જેથી આરોપીઓને સજા મળે તે જરૂરી છે કે મનમાં ભય પેદા થાય.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ વાત પણ સાચી છે કે કેટલાક લોકો એવા હોય છે જે વિકાસ જોઈ શકતા નથી. કેટલાક લોકો ભારતના ભલા વિશે વિચારી શકતા નથી. જયાં સુધી પોતાની જાતનું કલ્યાણ ન હોય ત્યાં સુધી અન્યનું ભલું ન લાગે, આવા લોકોની કોઈ કમી નથી. આવા લોકોથી બચવું જોઈએ, આવા મુઠ્ઠીભર લોકોને છોડી દો, તેઓ વિનાશનું કારણ બને છે. તેઓ અરાજકતાનો માર્ગ અપનાવે છે. દેશને ઘણું નુકસાન થાય છે. હું દેશને કહેવા માંગુ છું કે આપણે દેશની સેવા કરવી જોઈએ. સારા ઈરાદા અને ઈમાનદારી સાથે અમે દરેકના દિલ જીતીને આગળ વધવાના છીએ.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે અંદર પણ પડકારો છે, બહાર પણ પડકારો છે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ પડકારો વધતા જશે, હું આ વિશે જાણું છું. આપણે દુનિયાને ક્યારેય યુદ્ધમાં ધકેલી નથી, ભારતના આગળ વધવાથી દુનિયાને ચિંતા ના કરવી જોઈએ. ભારતના મૂલ્યોને સમજો. ભારતનો ઈતિહાસ સમજો. પરંતુ તેમ છતાં હું દેશને કહેવા માંગુ છું કે ગમે તેટલો મોટો પડકાર હોય. પડકારનો સામનો કરવો એ ભારતનો સ્વભાવ છે. અમે ૧૪૦ કરોડ ભારતીયોનું ભાવિ નક્કી કરવા માટે સખત મહેનત કરીશું, અમે ખરાબ ઇરાદા ધરાવનારાઓને હરાવીશું.
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત દેશ બનવા તરફ ભારતની ઝડપી પ્રગતિ વિશે માહિતી આપી હતી. તેમણે ફરી એકવાર ખાતરી આપી હતી કે આઝાદીના ૧૦૦માં વર્ષ એટલે કે ૨૦૪૭ની નિヘતિ સમયમર્યાદામાં આપણો દેશ ભારત વિશ્વના વિકસિત દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીની થીમ પણ વિકસિત ભારત ૨૦૪૭ છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
