News of Friday, 16th August 2024
પંચે ગયા અઠવાડિયે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણાનો પ્રવાસ પૂરો કર્યો હતો
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વાગશે ચૂંટણીનું બ્યુગલ : ચૂંટણી પંચ આજે બપોરે ૩ વાગ્યે મતદાનની તારીખો જાહેર કરશે

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે ૩ વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે. પંચે ગયા અઠવાડિયે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણાનો પ્રવાસ પૂરો કર્યો હતો.
૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાંના રાજકીય પક્ષો સતત રાજ્યનો દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી થશે અને પછી જ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થશે.
ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
